ભારત હવે અમેરિકા પછી વિશ્વનો બીજો સૌથી મોટો રોડ નેટવર્ક ધરાવતો દેશ બની ગયો છે. ભારતે આ રેકોર્ડમાં હરીફ ચીનને પાછળ પાડીને, તેની પાસેથી બીજા નંબરનો ક્રમાંક છીનવી લીધો છે. રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું છે કે 2014થી ભારતે મહત્તમ રોડ નેટવર્કના મામલે ચીનને પાછળ છોડી દીધું છે અને છેલ્લા 9 વર્ષમાં દેશમાં 1.45 લાખ કિલોમીટરના રસ્તાઓ બનાવવામાં આવ્યા છે.
પ્રેસ કોન્ફરન્સમાં ગડકરીએ તેમના મંત્રાલયના છેલ્લા 9 વર્ષમાં થયેલા કામોની યાદી ગણાવી હતી. તેમણે કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં ભારતે રસ્તાઓમાં ઘણા ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસવે ઉમેર્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) આગામી ટૂંક સમયમાં દિલ્હી અને મુંબઈ વચ્ચેના એક્સપ્રેસ વેને લોકોના ઉપયોગ માટે પૂર્ણ કરવા જઈ રહી છે. આ ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે. ગડકરીએ કહ્યું કે 9 વર્ષ પહેલા ભારતમાં 91.287 કિલોમીટર લાંબા રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા.
NHAI એ ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા
ગડકરીના કાર્યકાળ દરમિયાન, NHAI નવા રસ્તાઓ બનાવવા માટે ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. જેમાં નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વેનો સમાવેશ થાય છે. એપ્રિલ 2019 થી અત્યાર સુધીમાં, NHAI એ સમગ્ર ભારતમાં 30 હજાર કિલોમીટરથી વધુ રસ્તાઓનું નિર્માણ કર્યું છે. તેમાં ઘણા એક્સપ્રેસવેનો સમાવેશ થાય છે, જેમાંથી એક દિલ્હીને મેરઠથી જોડે છે અને લખનૌને ઉતરપ્રદેશના ગાઝીપુરથી જોડે છે. ગડકરીએ NHAIના યોગદાનની પણ પ્રશંસા કરી છે, તેમના કાર્યકાળ દરમિયાન NHAIએ 7 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે.
આ વર્ષે મે મહિનામાં NHAI એ 100 કિલોમીટર લાંબા એક્સપ્રેસ વેનું કામ 100 કલાકમાં પૂરું કર્યું. આ સીમાચિહ્ન ગાઝિયાબાદ-અલીગઢ એક્સપ્રેસમાં હાંસલ કરવામાં આવ્યું હતું. જ્યારે ગયા વર્ષે ઓગસ્ટમાં NHAI એ NH-53n પર 75 કિલોમીટર લાંબો સિંગલ બિટ્યુમિનસ કોંક્રીટ રોડ 105 કલાક 33 મિનિટમાં બનાવ્યો હતો. આ રેકોર્ડ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલો છે. આ નેશનલ હાઈવે અમરાવતીથી અકોલા સુધી બનાવવામાં આવી રહ્યો છે.
ટોલની આવકમાં પણ વધારો થયો છે
ગડકરીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, મંત્રાલયે ટોલ પ્લાઝા દ્વારા પણ આવકમાં વધારો કર્યો છે. તેમણે જણાવ્યું કે ટોલથી થતી આવક હવે વધીને રૂ. 2,41,342 કરોડ થઈ ગઈ છે, જે અગાઉ માત્ર રૂ. 4,770 કરોડ હતી. તેમણે એમ પણ કહ્યું કે મંત્રાલય હવે 21.30 લાખ કરોડની ટોલ આવક વધારવા માટે કામ કરી રહ્યું છે. તેમણે એ પણ જણાવ્યું કે કેવી રીતે FASTagsની મદદથી ટોલ પ્લાઝા પર લાંબી કતારો ઓછી થઈ છે. તેમણે કહ્યું કે હવે ટોલ પ્લાઝા પર વાહનોનો સરેરાશ સમય ઘટીને માત્ર 47 સેકન્ડ થઈ ગયો છે. તેમણે કહ્યું કે મંત્રાલય આ સમયને 30 સેકન્ડથી ઓછો કરવામાં વ્યસ્ત છે.