અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને ઈઝરાયલ હમાસ સંઘર્ષ અંગે મહત્વના વિધાનો કરતાં કહ્યું હતું કે, હમાસ અને ઈઝરાયલ બંને એક-બીજા ઉપર હુમલા કરી જ રહ્યા છે પરંતુ બંને હુમલામાં ફર્ક છે. તેઓએ આ યુદ્ધમાં ઈઝરાયલી હુમલાને સમર્થન તો આપ્યું છે, સાથે હમાસને બર્બરતા પૂર્ણ પણ કહ્યું છે, છતાં ઈઝરાયલને પરોક્ષ રીતે ચેતવણી પણ આપી છે. તેઓએ એક પ્રશ્નના ઉત્તરમાં સ્પષ્ટ કર્યું હતું કે, ‘ગાઝામાં ઈઝરાયલી હુમલો તે ભયંકર ભૂલ છે. હું આશા રાખું છું કે, ગાઝામાં રહેતા હજારો નિર્દોષ નાગરિકોની હત્યા રોકવા માટે ઈઝરાયલ દરેક પ્રકારે પ્રયત્નો કરશે.’
પ્રમુખ બાયડેને કહ્યું, હમાસ હુમલામાં માર્યા ગયેલા ઈઝરાયલીઓ અને પેલેસ્ટાઇની નાગરિકો તો બીજી તરફ ઈઝરાયલના જવાબી હુમલામાં માર્યા ગયેલા હમાસ આતંકીઓ વચ્ચે મૂળભૂત તફાવત છે કારણ કે આતંકવાદી જૂથ હમાસ બર્બરતા સાથે જોડાયેલું છે તે ”પ્રલય” કરવા માંગે છે. તેના હેતુઓ નકારાત્મક છે.
એક ઈન્ટરવ્યૂમાં આ પ્રમાણે કહેતા બાયડેને હમાસને ‘કાયરોના ઝૂંડ’ સમાન ગણાવ્યું હતું, અને કહ્યું હતું કે તેઓ નાગરિકોની પાછળ છૂપાઈ રહ્યા છે.
આ પૂર્વે બાયડેને હમાસને અલ-કાયદા કરતાં પણ વધુ ખતરનાક હોવાનું એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું. તેઓએ આ ઈન્ટરવ્યુમાં વધુમાં સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, ‘હમાસ કંઈ દરેક પેલેસ્ટાઇનીઓનું પ્રતિનિધિત્વ નથી કરતું. તેમ છતાં મને લાગે છે કે ઈઝરાયલ ફરીવાર પેલેસ્ટાઇની પ્રદેશ ઉપર કબજો કરશે તો તે તેની બહુ મોટી ભૂલ બની રહેશે.’ અમે અંદર જઈએ છીએ તે માત્ર હમાસ અને હિઝબુલાને બહાર કાઢવા માટે જ જઈએ છીએ. (તેનો અર્થ તે નથી કે ઈઝરાયલે પેલેસ્ટાઇન ઉપર કબજો જમાવી દેવો)
આ વખતે આપેલા ઈન્ટરવ્યુમાં જ્યારે પ્રમુખ બાયડેનને પત્રકારોએ પૂછ્યું કે, તમો માનો છો કે, હમાસને સંપૂર્ણત: ખતમ કરવું જોઈએ ? ત્યારે તેઓએ કહ્યું, ‘હા’ પરંતુ ત્યાં એક ‘પેલેસ્ટાઈન-ઓથોરિટી’ની સ્થાપના કરવી અનિવાર્ય છે. પેલેસ્ટાઇની રાજ્ય માટે એક માર્ગની જરૂરિયાત છે.
તે સર્વવિદિત છે કે ૭મી ઓક્ટોબરે હમાસે ઈઝરાયલ પર પ્રચંડ મિસાઇલ્સ હુમલો કર્યો હતો. તેમાં ૧૩૦૦ ઈઝરાયલીઓનાં મૃત્યુ થયા હતા. જેમાં ૨૯ અમેરિકી નાગરિકો પણ સામેલ હતા. હમાસે સેંકડોને બંધક પણ બનાવી દીધા તે પછી ઈઝરાયલે ગાઝામાં પ્રચંડ બોમ્બ વર્ષા કરતાં પ્રાપ્ય માહિતી પ્રમાણે ૨,૬૭૦નાં મૃત્યુ થયા છે. ૯,૬૦૦થી વધુ ઘાયલ થઈ ગયા છે. હમાસના કેટલાયે કમાન્ડરો મૃત્યુ પામ્યા છે.
બીજી તરફ ઈરાન સમર્થિત હિઝબુલ્લા સાથે પણ ઈઝરાયલ લડી રહ્યું છે. આશંકા તે પણ છે કે લેબેનોન સાથે પણ ઈઝરાયલને યુદ્ધ જામી પડે તેમ છે.
સઉદી અરબસ્તાન ઈસ્લામિક દેશોની શિખર પરિષદ બુધવારે યોજવાનું છે. ટૂંકમાં મધ્ય-પૂર્વમાં પરિસ્થિતિ સ્ફોટક બની ગઈ છે. જાણે ત્રીજા વિશ્વ યુદ્ધની પૂર્વ ભૂમિકા બંધાઈ રહી છે.