રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે આજે આણંદ જિલ્લાના ખેડૂત સંગઠનને સોઈલ ટેસ્ટિંગ કીટ અર્પણ
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા કોટક મહિન્દ્રા બેન્કના કોર્પોરેટ સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. શ્રી શ્રી રવિશંકરજીના આર્ટ ઓફ લિવિંગના વ્યક્તિ વિકાસ કેન્દ્રના માધ્યમથી આણંદ જિલ્લાના 100 ગામોમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રશિક્ષણ અને પ્રેરણા આપવાનું અભિયાન શરૂ કરાશે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું કે, ગ્લોબલ વૉર્મિંગ માટે રાસાયણિક ખેતી વિશેષ જવાબદાર છે. રાસાયણિક ખાતરમાં રહેલું નાઇટ્રોજન ખેતરમાં ખાતરના છંટકાવ વખતે હવામાંના ઓક્સિજનના સંપર્કમાં આવે છે ત્યારે નાઈટ્રસૉક્સાઈડ બને છે, જે કાર્બનડાયોક્સાઇડ કરતાં 312 ગણો વધારે ખતરનાક છે. ઑર્ગેનિક-જૈવિક ખેતીમાં મિથેન ગેસ ઉત્પન્ન થાય છે, જે કાર્બનડાયોક્સાઇડ કરતાં 22 ગણો વધારે ખતરનાક છે. પર્યાવરણને પારાવાર નુકસાન પહોંચાડતી રાસાયણિક ખેતી અને ઑર્ગેનિક ખેતી છોડીને ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે એ સમયની માંગ છે. તેમણે કોટક મહિન્દ્રા બેન્ક દ્વારા સીએસઆર પ્રવૃત્તિઓ અંતર્ગત થતા સદ્કાર્યોની સરાહના કરી હતી.
કોટક મહિન્દ્રા બેન્ક દ્વારા કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવાની પ્રવૃત્તિ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ જતન અને સંવર્ધન, રમતગમત, કુદરતી હોનારતો વખતે રાહતકાર્ય સહિત વિવિધ 19 પ્રોજેક્ટ કાર્યરત છે. શ્રી શ્રી રવિશંકરજીના આર્ટ ઑફ લિવિંગના વ્યક્તિ વિકાસ કેન્દ્રના માધ્યમથી, ગુજરાત સરકારના કૃષિ વિભાગ અને આત્મા પ્રોજેક્ટના પરામર્શમાં રહીને પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવાના પ્રયત્નો હાથ ધરાશે.
કોટક મહિન્દ્રા બેન્ક દ્વારા આણંદ જિલ્લાના ખેડૂત સંગઠનોને સોઈલ ટેસ્ટિંગ કીટ પણ વિના મૂલ્યે અપાશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે આજે આણંદ જિલ્લાના શ્રી કેતનભાઇ પટેલ અને શ્રી કલ્પેશભાઇ પટેલને સૌપ્રથમ સોઇલ ટેસ્ટિંગ કીટ અર્પણ કરાઈ હતી. આ અવસરે કોટક મહિન્દ્રા બેન્કના સિનિયર કન્સલ્ટન્ટ શ્રી પ્રકાશ નાયક, સિનિયર મેનેજર શ્રી જય શાહ, રિજિયોનલ બ્રાન્ચ બેન્કિંગ હૅડ શ્રી રાજેશ ગઢવી, ગ્રુપ સીએસઆરના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી ગજેન્દ્ર દીક્ષિત, આર્ટ ઓફ લિવિંગના વ્યક્તિ વિકાસ કેન્દ્રના ચેરમેન શ્રી પ્રસન્ના પ્રભુ, ડાયરેકટર પાર્ટનરશીપ શ્રી મનીષ અસર્પોતા અને વ્યક્તિ વિકાસ કેન્દ્રના ગુજરાત પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર શ્રી ચિંતન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા