અમદાવાદમાં ફરી એકવાર આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે. આવકવેરા વિભાગે સૌથી મોટુ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. અમદાવાદના જાણીતા વેપારી કેયુર શાહ સહિત અનેક વેપારીના ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. બ્લીચ અને ધારા કેમિકલના વેપારીના ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે.
અમદાવાદના પંચવટી વિસ્તારમાં કેમિકલના વેપારી સહિત 20થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. બ્લીચ કેમ ગ્રુપ અને ધારા કેમિકલના ત્યાં સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ છે. બે મોટા કેમિકલના વેપારીઓના ત્યાં દરોડા પાડીને આવકવેરા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બંને કંપનીની ઓફિસમાં આવકવેરા વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.આ સર્ચ ઓપરેશનમાં બેનામી વ્યવહારો મોટા પાયે મળી આવે તેવી શક્યતા છે.
મળતી માહિતી પ્રમાણે આ દરોડામાં આવકવેરા વિભાગના 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા છે. જ્યાં જ્યાં દરોડા પાડવામાં આવ્યા છે તે સ્થળે પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.તો આ સ્થળો પર આઇકાર્ડ વિના આવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.જેથી કોઇ અન્ય વ્યક્તિ અંદર પ્રવેશે નહીં અને સુચારુ રીતે આવકવેરા વિભાગ પ્રક્રિયા હાથ ધરી શકે.