ભારત લાંબા સમયથી UN સુરક્ષા પરિષદમાં ફેરફારની માંગ કરી રહ્યું છે. હવે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ વિકૃત અને અનૈતિક છે અને તે હજુ પણ સંસ્થાનવાદની વિચારસરણી સાથે ચાલી રહી છે. તે બદલાયેલ ભૌગોલિક રાજકીય લેન્ડસ્કેપમાં નવા જુથ્થોના ઉદભવને પ્રતિબિંબિત કરતું નથી. યુએનના અધિકારીઓ અને નીતિ નિષ્ણાતોએ તાત્કાલિક સુધારાની માંગ કરી છે.
ગઈકાલે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં સુરક્ષા પરિષદમાં સુધારા અંગે ગોળમેજી ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનાડાના રાજદ્વારીઓએ ચર્ચામાં ભાગ લીધો હતો. મીટિંગ દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે જણાવ્યું હતું કે, યુએન સુરક્ષા પરિષદની વર્તમાન રચના આજના વિશ્વની વાસ્તવિકતાઓથી બહુ અલગ છે.
કંબોજે કહ્યું કે, સુરક્ષા પરિષદની રચના એક અલગ યુગમાં કરવામાં આવી હતી અને તે નવા જુથ્થોના ઉદયને પ્રતિબિંબિત કરતી નથી. આજે, જ્યારે ભૌગોલિક રાજકીય લેન્ડસ્કેપ બદલાઈ રહ્યું છે, ત્યારે દેશો વધુ સમાન અને ન્યાયી વૈશ્વિક વ્યવસ્થા ઈચ્છે છે. કંબોજે કહ્યું કે, આજે વિશ્વની સામે અભૂતપૂર્વ વૈશ્વિક પડકારો છે, આવી સ્થિતિમાં સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની જરૂર છે. જળવાયુ પરિવર્તન, આતંકવાદ, આપત્તિ અને માનવતાવાદી સંકટને કારણે એકજૂથ અને જવાબદાર પગલાં લેવાની જરૂર છે. કંબોજે તમામ દેશોને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા માટે પ્રયાસો કરવા અપીલ કરી હતી.