વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે સનાતન ધર્મ ઉપર ડીએમકેના નેતાઓએ કરેલા પ્રહારો અને તે સામે ‘ઇન્ડીયા’ ગઠબંધનના નેતાઓએ સાધેલી ચૂપકિદી ઉપર તૂટી પડયા હતા. મધ્ય પ્રદેશમાં એક કાર્યક્રમમાં બોલતા વડાપ્રધાને કહ્યું હતું કે, ‘જેણે દેશને સદીઓ સુધી બાંધી રાખ્યો છે તે જ સનાતન ધર્મનો નાશ કરવા ઇંડીયા એલાયન્સ’ કરવા જાણે કે, શપથ લીધા છે.
જ્યાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેવા આ રાજ્યમાં વડાપ્રધાને અનેકવિધ પરિયોજનાઓનું પણ ઉદ્ધાટન કર્યું હતું તે સમયે આપેલા વકતવ્યમાં વડાપ્રધાને ઇંડીયા એલાયન્સને ‘ઘમંડી એલાયન્સ’ કહ્યું હતું, સાથે તેવા ગઠબંધનને પરાસ્ત કરવા જનસામાન્યને એલાન આપ્યું હતું.
આ સાથે તે ‘ઘમંડી ગઠબંધન’ ઉપર ઉગ્ર પ્રહારો કરતા કહ્યું હતું કે, ‘આ ઘમંડી ગઠબંધનમાં નેતૃત્વ વિષે કોઈ જ સ્પષ્ટતા નથી તેની મુંબઈ મિટિંગમા આ જૂથે તેની ભાવિ રણનીતિ તો જાહેર કરી જ હતી પરંતુ તેમની ગુપ્ત કાર્યસૂચિ શી છે તે તો અજ્ઞાાત જ રહી છે. એવું લાગે છે કે તેઓની યોજના ભારતીયોની શ્રદ્ધાનો નાશ કરવાની ભારતના વિચારોનો નાશ કરવાની, ભારતના મૂલ્યો અને પરંપરાઓ જેણે આપણને સૈકાઓથી બાંધી રાખ્યા છે તેનો જ નાશ કરવાની તેમની યોજના છે. વિશેષતઃ તાજેતરમાં જ, ડીએમકેના નેતાઓએ હિન્દૂ ધર્મ ઉપર કરેલા પ્રહારો સંદર્ભે વડાપ્રધાને કરેલા વળતા પ્રહારો ઉલ્લેખનીય છે.’
આ પ્રવચનમાં વડાપ્રધાને કહ્યું હતું કે, સનાતન ધર્મ અહલ્યાબાઈ હોલ્કર, રાણી લક્ષ્મીબાઈ, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી માટે પ્રેરણારૂપ રહ્યો પરંતુ આ ઘમંડીયા ગઠબંધન સનાતન ધર્મનો જ નાશ કરી દેશને સૈકાઓ પૂર્વેની ગુલામીમાં લઈ જવા માંગે છે. આથી જ આપણે જાગતા રહેવું જોઈએ. અને આપણી એકતાનો નાશ કરવાની છલનાભરી તેની યોજનાઓને પરાસ્ત કરવી જ જોઈએ. ઉલ્લેખનીય છે કે, ૨૬ પક્ષોનો બનેલા INDIA ગઠબંધનના સભ્ય તેવા ડીએમકેના એમ. કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને એચઆઇવી, ડેન્ગ્યુ, મેલેરિયા સાથે સરખાવ્યો હતો. કેન્દ્રના પૂર્વ મંત્રી એ. રાજાએ ‘હિન્દૂ ધર્મને’ સમાજ સામેના ભય સમાન જણાવ્યો હતો.
ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ તથા ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બનાવવા નિર્ણય કર્યો છે.