G20 સમિટ પહેલા શુક્રવારે અમેરિકા અને ભારતે પોલ્ટ્રી પ્રોડક્ટ્સ પર વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)માં અંતિમ વિવાદનો ઉકેલ લાવી દીધો છે. અમેરિકી વેપાર પ્રતિનિધ કેથરિન તાઈએ શુક્રવારે ઘોષણા કરી હતી કે, અમેરિકા અને ભારત વિશ્વ વ્યાપાર સંગઠન ભારતમાં તેમના અંતિમ વિવાદ જે કૃષિ ઉત્પાદનોની આયાતના સબંધમાં ઉપાય (DS 430) સાથે સંબંધિત છે તેનો ઉકેલ લાવવા માટે સંમત થયા છે. સંયુક્ત રાજ્ય વ્યાપાર પ્રતિનિધિના કાર્યાલયના જણાવ્યા પ્રમાણે ભારતે ફ્રોઝન ટર્કી, બતક, તાજા અને ફ્રોઝન બ્લૂબેરી અને ક્રેનબેરી, સૂકા અને પ્રોસેસ્ડ બ્લૂબેરી અને ક્રેનબેરી તથા તાજા અને ફ્રોઝન ક્રેનબેરી સહિત અનેક યુએસ માલ પર ટેરિફ ઘટાડવા સંમતિ વ્યક્ત કરી છે.
WTO વિવાદનો ઉકેલ અમેરિકા-ભારત વ્યાપાર સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નનરૂપ
બેઠકમાં બંને નેતાઓએ WTO મુદ્દા પર ચર્ચા કરી હતી અને બંનેએ વહેલી તકે ઉકેલ લાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રાજદૂત તાઈએ જણાવ્યું કે, આ અંતિમ WTO વિવાદનો ઉકેલ અમેરિકા-ભારત વેપાર સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નનરૂપ છે જ્યારે કેટલાક અમેરિકી ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવાથી યુએસ કૃષિ ઉત્પાદકો માટે મહત્વપૂર્ણ બજાર એક્સેસ વધી જાય છે. તેમણે કહ્યું કે, જૂનમાં વડાપ્રધાન મોદીની રાજ્ય મુલાકાત અને રાષ્ટ્રપતિ બાઈડનની આ અઠવાડિયે નવી દિલ્હીની મુલાકાત સાથેની આ જાહેરાતો અમારી દ્વિપક્ષીય ભાગીદારીની શક્તિને રેખાંકિત કરે છે.
બાઈડને ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે ભારતને અભિનંદન પાઠવ્યા
તાઈએ જણાવ્યું કે, હું અમારા લોકો માટે સમાવિષ્ટ આર્થિક તકો પૂરી પાડવા માટે મંત્રી ગોયલ સાથે કામ કરવાનું ચાલુ રાખવા માટે આતુર છું. જૂનમાં પીએમ મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન છેલ્લા 6 વિવાદોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. ભારતે ચણા, કઠોળ, બદામ, અખરોટ, સફરજન, બોરિક એસિડ અને ડાયગ્નોસ્ટિક રીએજન્ટ્સ સહિત કેટલાક યુએસ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવા માટે પણ સંમતિ દર્શાવી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને સંરક્ષણ સહયોગથી લઈને ટેકનોલોજી શેરિંગ સુધીના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિએ ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે પણ ભારતને અભિનંદન પાઠવ્યા હતા.
ભારત-અમેરિકા સંબંધોની પ્રશંસા
ગઈ કાલે G20 સમિટ પહેલા બંને નેતાઓએ નવી દિલ્હીમાં PM આવાસ – 7, લોક કલ્યાણ માર્ગ ખાતે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. બંને નેતાઓએ ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તન લાવવાનું કામ ચાલુ રાખવાનું આહ્વાન કર્યું હતું. બેઠક બાદ બંને નેતાઓએ ભારત-અમેરિકા સંબંધોની પ્રશંસા કરી હતી અને કહ્યું કે, બંને દેશો વચ્ચેની મિત્રતા વૈશ્વિક સુખાકારીને આગળ વધારવામાં મોટી ભૂમિકા ભજવશે.