એરિક્સન મોબિલિટીના ઓગસ્ટના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ૨૦૨૩ના બીજા ક્વાર્ટરમાં ભારતમાં ૭૦ લાખ નવા સબસ્ક્રાઇબર્સ ઉમેરાયા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. રાષ્ટ્રીય બજારોમાં ભારત પછી ચીન (૫૦ લાખ) અને અમેરિકા (૩૦ લાખ) આવે છે. જોકે ભારતમાં મોબાઈલની પહોંચ ૭૦ ટકા છે, જ્યારે ચીનમાં તે ૧૨૦ ટકા છે. વૈશ્વિક સ્તરે મોબાઇલ સબ્સ્ક્રિપ્શન પેનિટ્રેશન ૧૦૫ ટકા છે.
મંગળવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ૨૦૨૩ના બીજા ક્વાર્ટરમાં વૈશ્વિક સ્તરે ૫જી સબ્સ્ક્રિપ્શન્સની સંખ્યામાં ૧૭.૫ કરોડનો બમ્પર વધારો થયો છે. ભારતમાં જિયો, એરટેલ અને વોડાફોન દ્વારા વ્યાપકપણે ૫જી નેટવર્ક પાથરવામાં આવી રહ્યું છે.
વૈશ્વિક સ્તરે મોબાઇલ ગ્રાહકોની કુલ સંખ્યા ૮.૩ અબજ છે, જેમાં ત્રિમાસિક ગાળા દરમિયાન ૪ કરોડનો ચોખ્ખો ઉમેરો થયો છે. વૈશ્વિક સ્તરે વિશિષ્ટ મોબાઇલ ગ્રાહકોની સંખ્યા ૬.૧ અબજ છે. ગત ત્રિમાસિકગાળામાં મોબાઈલ બ્રોડબેન્ડ સબ્સ્ક્રિપ્શન્સમાં લગભગ ૧૦ કરોડનો વધારો થયો છે અને કુલ સંખ્યા ૭.૪ અબજ થઈ છે. ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ તેમાં ૫ ટકાનો વધારો થયો છે. મોબાઈલ બ્રોડબેન્ડનો હિસ્સો કુલ મોબાઈલ સબસ્ક્રિપ્શનમાં ૮૮ ટકા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે બીજા ક્વાર્ટરમાં વૈશ્વિક ૫જી સબસ્ક્રિપ્શન વધીને ૧.૩ અબજ થઈ ગયા છે. લગભગ ૨૬૦ કોમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઈડર્સે કોમર્શિયલ ૫જી સેવાઓ શરૂ કરી છે. લગભગ ૩૫ સર્વિસ પ્રોવાઈડર્સોએ સ્ટેન્ડઅલોન ૫જી નેટવર્ક લોન્ચ કર્યા છે.