ક્રિકેટ જગતમાં ભારત અને પાકિસ્તાનના મુકાબલા પર દરેક ક્રિકેટ પ્રેમીની નજર હોય છે. ક્રિકેટના મેદાનમાં ભારત અને પાકિસ્તાનની મેચમાં દરેક બોલ પર ઇતિહાસ લખાતો હોય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને એક ક્રિકેટ મેચ નહી પરંતુ બે દેશ વચ્ચે જંગની જેમ જોવામાં આવે છે. થોડા સમયમાં ભારત-પાકિસ્તાન એશિયા કપમાં આમને-સામને થવાના છે. માહિતી એ છે કે બંને ટીમ એશિયા કપમાં ત્રણ વાર એક બીજા સામે ટકરાશે અને પ્રથમ ટક્કર 2 સપ્ટેમ્બર ના રોજ થશે તે લગભગ નક્કી છે. નોંધપાત્ર છે કે સત્તાવાર કાર્યક્રમની જાહેરાત બુધવાર રાત્રે થવાની શક્યતા છે પણ મીડિયા અહેવાલ પ્રમાણે ભારત-પાકિસ્તાન મેચ 2 સપ્ટેમ્બર ના રોજ શ્રીલંકાના કેન્ડીમાં રમાવાની છે.
ભારત-પાકિસ્તાનની મેચનું કેન્ડીમાં આયોજન તે ભારતીય ક્રિકેટ ટીમ માટે એક સારા સમાચાર છે. જ્યારે પાકિસ્તાનના કેમ્પ માટે આ એક એવા સમાચાર છે જે તેને ટેન્શનમાં લાવી શકે છે. આનું કારણ છે કેન્ડીના પલ્લેકેલેમાં ભારત-પાકિસ્તાનનું રેકોર્ડ. બંને ટીમના પલ્લેકેલેમાં રેકોર્ડ જાણવા પહેલા આ જાણાવી દઇએ કે એશિયા કપના કાર્યક્રમમાં ફેરફાર આવ્યો છે. સૂત્રો પ્રમાણે 31 ઓગસ્ટ થી શરૂ થનાર આ ટુર્નામેન્ટ હવે એક દિવસ અગાઉ 30 ઓગસ્ટે શરૂ થશે. ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરના રોજ થશે.
કેન્ડીમાં ટીમ ઇન્ડિયનો વિજયી રેકોર્ડ
કેન્ડીમાં મેચનું આયોજન તે ભારત માટે એટલે સારા સમાચાર છે કારણ કે તે આ મેદાન પર ક્યારેય મેચ હારી નથી. કેન્ડીના મેદાન પર ભારતીય ક્રિકેટ ટીમે ત્રણ મેચ રમી છે અને તમામ ત્રણ મેચમાં ભારતની જીત થઇ છે.
2012: ભારતે શ્રીલંકાને 20 રનથી આપી માત 2017: ભારતે શ્રીલંકાને 3 વિકેટથી આપી માત 2017: ભારતે શ્રીલંકાને 6 વિકેટથી આપી માત
રોહિત શર્મા-બુમરાહનો કેન્ડીમાં જબરદસ્ત રેકોર્ડ
જણાવી દઇએ કે રોહિત શર્માનો આ મેદાન પર રેકોર્ડ શાનદાર છે. તેણે આ મેદાન પર ટીમ ઇન્ડિયા માટે સૌથી વધારે રન બનાવ્યા છે. કેન્ડીમાં રોહિત શર્માએ 3 મેચમાં 91 ની એવરેજ થી 182 રન બનાવ્યા છે. રોહિતે આ મેદાન પર સદી પણ ફટકારી છે. બોલિંગમાં જસપ્રીત બુમરાહ એ કેન્ડીમાં ધમાકેદાર પ્રદર્શન કર્યુ છે. 27 ઓગસ્ટ, 2017 ના રોજ રમાયેલ મેચમાં બુમરાહે શ્રીલંકા સામે 10 ઓવર માં ફક્ત 27 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.
પાકિસ્તાનનું કેન્ડીમાં ખરાબ રેકોર્ડ
પાકિસ્તાન ટીમની જો વાત કરીએ તો કેન્ડીમાં આ ટીમનો રેકોર્ડ ખરાબ રહ્યો છે. આ મેદાન પર પાકિસ્તાને 5 મેચ રમી છે અને 2 માં તેને જીત અને ત્રણમાં હારનો સામનો કરવો પડયો છે. આ ત્રણ માંથી બે હાર પાકિસ્તાનને છેલ્લી બે મેચમાં જ મળી છે. જો કે ક્રિકેટની રમત તે દિવસે ટીમના પ્રદર્શન પર આધારિત હોય છે. સારા રેકોર્ડથી ટીમના આત્મવિશ્વાસમાં ફક્ત વધારો થતો હોય છે.