પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ગત અઠવાડિયે 01 ઓગષ્ટના રોજ ભારત સાથે વાતચીતની ઓફર કરી હતી. તેના જવાબમાં ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, અમે તમામ દેશો સાથે મૈત્રીપૂર્ણ સબંધ ઈચ્છીએ છીએ. પરંતુ પાકિસ્તાન સાથે વાતચીત કરવા માટે આતંકવાદ અને શત્રૂતાથી મુક્ત વાતારણ જરૂરી છે. બીજી તરફ પાકિસ્તાની વિદેશ મંત્રાલયે ફરી એક વખત તેના પર પ્રતિક્રિયા આપી છે. આ ઉપરાંત હરિયાણાના નૂંહમાં થયેલી હિંસા અને મણિપુરના હાલના ઘટનાક્રમ પર પણ પાકિસ્તાને ટિપ્પણી કરી છે.
સોમવારે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલૂચે કહ્યું કે પાકિસ્તાન પોતાના પાડોશી ભારત સાથે વાતચીત કરવા તૈયાર છે. જો કે ભારત પણ ગંભીર બાબતો પર વાત કરવા માટે ગંભીર હોવું જોઈએ. કારણ કે યુદ્ધ હવે કોઈ વિકલ્પ નથી. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી અંગે તેમણે કહ્યું કે શાંતિ અને વાતચીતનું વાતાવરણ બનાવવું હવે ભારત પર છે.
મુમતાઝ ઝહરા બલૂચે એમ પણ કહ્યું કે પાકિસ્તાન અને ભારત વચ્ચે વાતચીત મહત્વપૂર્ણ છે પરંતુ આ માટે આ ક્ષેત્રમાં ભારતની આક્રમકતા સમાપ્ત થવી જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે, વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ જેવા હિંદુ સર્વોપરી સંગઠનો ભારતીય મુસ્લિમોનો ડરાવીને તેમના વિરુદ્ધ હિંસા કરી રહ્યા છે જે ગંભીર ચિંતાનો વિષય છે.
પાકિસ્તાનના વડાપ્રધાને કરી હતી વાતચીતની ઓફર
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે મંગળવારે ભારત સાથે વાતચીતની ઓફર કરી હતી. પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું હતું કે, અમે દરેક સાથે વાત કરવા તૈયાર છીએ. અમારા પાડોશી સાથે પણ. જો કે પાડોશી પણ ગંભીર મુદ્દાઓ પર વાત કરવા માટે પૂરતો ગંભીર હોવો જોઈએ. કારણ કે યુદ્ધ હવે કોઈ ઉકેલ નથી. જ્યાં સુધી બંને દેશો વચ્ચે વણઉકેલાયેલા મુદ્દાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી બંને દેશો ‘સામાન્ય પાડોશી’ ન બની શકે.
પાકિસ્તાનની ભારતને વાતચીતની ઓફર પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, અમે તમામ દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ઈચ્છીએ છીએ. પરંતુ તેના માટે આતંકવાદ મુક્ત વાતાવરણ જરૂરી છે.
પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલૂચે સોમવારે કહ્યું હતું કે, પાકિસ્તાન શાંતિપૂર્ણ પાડોશમાં વિશ્વાસ રાખે છે અને પોતાના તમામ પાડોશીઓ સાથે પરસ્પર સમ્માન અને આતંરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે શાંતિ ઈચ્છે છે.
31 જુલાઈના રોજ હરિયાણાના નૂહમાં થયેલી હિંસા અને મણિપુરમાં તાજેતરની ઘટનાઓ પર ટિપ્પણી કરતા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતમાં લઘુમતીઓને નિશાન બનાવવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે.