ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)ની ભાવિ મહત્વાકાંક્ષી યોજનાઓમાં સ્પેસ સ્ટેશન, સમાનવ અવકાશયાન, મંગળયાન – ૨(માર્સ મિશન -૨), શુક્રયાન(વિનસ મિશન)નો પણ સમાવેશ થાય છે. ઇસરોના ચેરમેન શ્રીધર સોમનાથે એક ખાસ કાર્યક્રમ દરમિયાન એવી માહિતી આપી હતી કે ઇસરો તેનું પહેલું સ્પેસ સ્ટેશન ૨૦૩૫માં તરતું મૂકે તેવું આયોજન થઇ રહ્યું છે.વળી, અમે ભારેભરખમ વૈજ્ઞાાનિક ઉપકરણો સાથે પૃથ્વીની ભ્રમણકક્ષા સુધી જઇ શકે તેવું રિયુઝેબલ રોકેટ(એક કરતાં વધુ વખત ઉપયોગમાં લઇ શકાય તેવું રોકેટ) વિકસાવવા તૈયારી કરી રહ્યા છીએ.
ઇસરો તેનું પહેલું સ્પેસ સ્ટેશન ૨૦૩૫માં તરતું મૂકશે તો ભારત દેશ અમેરિકા, સોવિયેત રશિયા, જાપાન, ચીન વગેરે બહુ થોડા દેશની હરોળમાં આવી જશે.
એસ.સોમનાથે ભરપૂર ઉત્સાહ સાથે કહ્યું હતું કે ચંદ્રયાન – ૩ની ઉજળી સફળતાથી અમારો ઉત્સાહ વધ્યો છે. હવે અમે એક કરતાં વધુ પ્રોજેક્ટ સફળ બનાવવા નક્કર આયોજન કરી રહ્યા છીએ. હા, હાલના તબક્કે તો અમે ભારતના પ્રથમ સમાનવ અવકાશયાન ગગનયાન પ્રોજેક્ટ પર ખાસ ધ્યાન આપી રહ્યા છીએ.ગગનયાનને સંપૂર્ણ સફળ બનાવવા માટે વિવિધ ટેકનિકલ પરીક્ષણ પણ કરી રહ્યા છીએ.
અમે ગગનયાન પ્રોજેક્ટના પગલે પગલે સમાનવ અંતરીક્ષયાનના પ્રયોગની પણ શક્યતા તપાસી રહ્યા છીએ. એટલે કે હાલના તબક્કે અમારો મુખ્ય હેતુ ભારતના ત્રણ અવકાશયાત્રીઓને પૃથ્વી બહાર ૪૦૦ કિલોમીટરના અંતરે મોકલવાનો છે. આપણા ત્રણેય અવકાશયાત્રીઓ અંતરીક્ષમાં સતત ૭૨ કલાક સુધી રહીને પછી પૃથ્વી પર આપણા સમુદ્રમાં સહીસલામત રીતે ઉતરશે.આમ ગગનયાનની સફળતા ભારતના પહેલા સ્પેસ સ્ટેશનનો માર્ગ તૈયાર કરશે.
ઇસરોએ રિયુઝેબલ રોકેટ વિકસાવવામાં ભારતના ઉદ્યાગ જગતને સહકાર આપવા અપીલ પણ કરી છે. આવા રિયુઝેબલ રોકેટને ઇસરોએ નેક્સ્ટ જનરેશન લોન્ચ વેહિકલ(એન.જી.એલ.વી.) નામ આપ્યું છે.
એસ. સોમનાથે એવી માહિતી પણ આપી હતી કે અમે લગભગ એકાદ વરસમાં એન.જી.એલ.વી. રોકેટની આધુનિક ડિઝાઇન બનાવી શકીએ તે રીતે તૈયારી કરી રહ્યા છીએ. ઇસરોનું આ ભાવિ રોકેટ ત્રણ હિસ્સા ધરાવતું હશે. તે ભાવિ રાકેટમાં મિથેન અને પ્રવાહી ઓક્સિજન અથવા કેરોસીન અને પ્રવાહી ઓક્સિજનનું બળતણ હશે. વળી, આ ભાવિ રોકેટ ૧૦ ટન વજનનાં વૈજ્ઞાાનિક ઉપકરણો લઇને છેક જીઓસ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટ(જીટીઓ) સુધી જાય અથવા ૨૦ ટનનાં વૈજ્ઞાાનિક ઉપકરણો લઇને પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષા (લો અર્થ ઓર્બિટ) સુધી જાય તેટલી ક્ષમતાવાળું હશે.
પૃથ્વીથી અંતરીક્ષમાં ૩૬,૦૦૦ કિલોમીટરના અંતરને જીઓટી કહેવાય છે, જ્યારે પૃથ્વીથી ૨,૦૦૦ કિલોમીટના અંતરને પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષા કહેવાય છે.
ઇસરોના અન્ય એક વિજ્ઞાાનીએ એવી માહિતી પણ આપી હતી કે એન.જી.એલ.વી. રોકેટની મદદથી અમે ડીપ સ્પેસ મિશન(એકથી બીજા ગ્રહ પર જવાની યોજનાને ડીપ સ્પેસ મિશન કહેવાય છે),હ્યુમન સ્પેસ ફ્લાઇટ(સમાનવ અવકાશયાન) અને મલ્ટીપલ કમ્યુનિકેશ સેટેલાઇટ(એક કરતાં વધુ ક્ષેત્રમાં સંદેશા વ્યવહાર) વગેરે ભાવિ યોજનાઓમાં પર સફળતા મેળવી શકીશું એવી અમને પૂરી આશા છે.
બીજી બાજુ ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી હતી કે અમે માર્સ મિશન-૨ અવકાશયાન (મંગળયાન -૨) ની પણ તૈયાર કરી રહ્યા છીએ. ૨૦૧૪માં ભારતે તેના પહેલા મંગળયાન -૧ નો સફળ પ્રયોગ કર્યો છે. એટલે કે માર્સ મિશન -૧ પહેલા જ પ્રયાસે સૌર મંડળના લાલ ગ્રહ મંગળની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરવામાં સફળ રહ્યું હતું.
મંગળયાન – ૨ અવકાશયાનનો હેતુ રાતા ગ્રહના વાતાવરણનો ગહન અભ્યાસ કરવો, મંગળની ધરતી પર ઉડતી બીજા ગ્રહોની ધૂળ(ઇન્ટરપ્લેનેટરી ડસ્ટ), મંગળ ગ્રહ ફરતેના પ્લાઝ્માનો અભ્યાસ કરવો વગેરે હશે. ઉપરાંત, મંગળ પર જીવનની શક્યતા, વિપુલ જળ રાશિ ચોક્કસ કયાં કારણોસર અદ્રશ્ય થઇ ગઇ, મંગળનું ગુરુત્વાકર્ષણ બળ કયાં પરિબળોને કારણે નબળું પડી ગયું વગેરે રહસ્યોનો તાગ પણ મેળવવાનો હેતુ છે.