G20ની મોટી સફળતા બાદ હવે દિલ્હીમાં P20 એટલે કે સંસદ-20ની તૈયારીઓ કરવામાં આવી રહી છે. 12-14 ઓક્ટોબર દરમિયાન યોજાનારી આ કોન્ફરન્સમાં G20 સમિટમાં ભાગ લઈ રહેલા તમામ દેશોની સંસદના સ્પીકર અને તેમની સાથે આવેલા સાંસદોનું પ્રતિનિધિમંડળ ભાગ લેશે.
આ કાર્યક્રમના માધ્યમથી એમ કહી શકાય કે દુનિયા બારતનો દમખમ જોઈ શકશે. P-20 ના આયોજન થકી દેશ અને દુનિયા લોકશાહીના નવા મંદિર એટલે કે સંસદ સાથે રૂબરૂ થઈ શકશે, આ આયોજન સાથે ભારત એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્યના ઉદ્દેશ્યને દુનિયા સાથે શેર કરીને તેના સૈકાઓ જુમા ઈતિહાસને પણ ફરી ઉજાગર કરશે.
P20 સમિટની મુખ્ય ઇવેન્ટ 13-14 ઓક્ટોબર છે પરંતુ કોન્ફરન્સ 12 ઓક્ટોબરથી શરૂ થશે. પ્રથમ દિવસે પાર્લામેન્ટરી ફોરમ ઓન લાઈફની થીમ પર અનેક કાર્યક્રમો યોજાશે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના નેતૃત્વમાં આ કાર્યક્રમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
કોન્ફરન્સને અલગ અલગ ચાર સત્રમાં વિભાજીત કરી દેવામાં આવ્યા છે કે જેમાં “Agenda 2030 for SDGs: Showcasing Achievements, Accelerating Progress” કે જે યુનાઈટેડ નેશન્સના વર્ષ 2030 સુધીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પર આધારિત છે.
જણાવવું રહ્યું કે કોરોના મહામારી બાદ વિશ્વના સ્તર પર કોરોના હોય કે ગરીબી કે પછી અન્ય કોઈ આર્થિક પડકારોની વાત હોય તમામનો સામનો કરવા માટે બનાવવામાં આવેલી નીતિઓ પર સમીક્ષા કરવામાં આવશે. આ જ ઉપલક્ષ્યમાં ભારત તેની વિવિધ લોક કલ્યાણ યોજનાઓને તમામ દેશો સમક્ષ રોલ મોડલ તરીકે રજૂ કરવા જઈ રહ્યું છે.
બીજા સત્રની વાત કરવામાં આવે તો “Sustainable Energy Transition: Gateways to a Green Future” પર આધારિત રહેશે. આ સત્ર દરમિયાન વિકસિત દેશો પર તેમના વચનો પૂરા કરવા પર ભાર મૂકવામાં આવશે જે અંતર્ગત બજેટ અને ટેક્નોલોજી દ્વારા વિકાસશીલ દેશોને મદદ કરવા પર સહમતિ દર્શાવવામાં આવી હતી.
ત્રીજા સત્રની વાત કરીએ તો તે “Mainstreaming Gender Equality: From Womens Empowerment to Women-Led Development” વિષય પર રહેશે. આ સત્ર માટે સૌથી મહત્વની બાબત એ છે કે નવી સંસદની શરૂઆતમાં ભારતે મહિલા અનામત બિલને મંજૂરી આપીને વિશ્વ માટે એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે
ચોથુ અને અંતિમ સત્ર “Transformation in Peoples Lives through Public Digital Platforms” પર રહેશે. G20 સમિટમાં તમામ સભ્ય દેશોએ ડિજિટલ પેમેન્ટ અને ડિજિટલ ટેક્નોલોજી આધારિત અન્ય સરકારી યોજનાઓ માટે ભારતની પ્રશંસા કરી હતી. P20 કોન્ફરન્સમાં આ નીતિઓ બનાવવા અને તેના અમલીકરણ અને દેખરેખમાં સંસદની ભૂમિકા વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.