ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ ટેસ્ટ મેચમાં એક ઇનિંગ અને 141 રનથી જીત મેળવી હતી. પ્રથમ મેચમાં જીત સાથે બે મેચની શ્રેણીમાં ભારતીય ટીમે 1-0 થી શાનદાર લીડ મેળવી લીધી હતી. ભારત અન વેસ્ટ ઇન્ડીઝ (India vs West Indies) વચ્ચે બીજી ટેસ્ટ મેચ ત્રિનિદાદના ક્વીન્સ પાર્ક ઓવલમાં રમાશે, જે બંને ટીમ વચ્ચે 100મી ટેસ્ટ હશે. તમને જણાવી દઇએ કે કઇ ટીમ સામે ભારતીય ક્રિકેટ ટીમે (Team India) ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 100 ટેસ્ટ રમી છે.
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાશે 100મી ટેસ્ટ
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે અત્યાર સુધી 99 ટેસ્ટ મેચ રમાઇ છે, જેમાં 30 મેચમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમે જીત મેળવી છે જ્યારે 23 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ જીત મેળવવામાં સફળ રહી છે. 46 ટેસ્ટ મેચ બંને વચ્ચે ડ્રો રહી છે. ત્રિનિદાદમાં રમાવા જઇ રહેલ ટેસ્ટ મેચ બંને ટીમ વચ્ચે 100મી ટેસ્ટ મેચ હશે. બંને ટીમ પાસે સ્ટાર ખેલાડીઓ છે, જે મેચના પરિણામમાં પલટો લાવી શકે છે. છેલ્લા 21 વર્ષમાં ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે એક પણ ટેસ્ટ મેચ હારી નથી. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 1948માં રમાઇ હતી, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન લાલા અમરનાથ હતા. જ્યારે વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન John Goddard હતા. બંને ટીમ વચ્ચે આ મેચ ડ્રો રહી હતી.
ભારતે આ ટીમ સામે રમી છે 100 થી વધુ ટેસ્ટ મેચ
ભારતીય ક્રિકેટ ટીમે અત્યાર સુધી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે 100 થી વધુ ટેસ્ટ મેચ રમી છે. ઇંગ્લેન્ડ સામે ટીમ ઇન્ડિયાએ 131 ટેસ્ટ મેચ રમી છે, જેમાં ભારતે ફક્ત 31 મેચ જીતી છે અને 50 માં હારનો સામનો કરવો પડયો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ વર્ષ 1933 માં રમાઇ હતી, ત્યારે ભારતીય ટીમના કેપ્ટન સી કે નાયડૂ હતા. પ્રથમ મેચમાં ભારતની ટીમને ઇંગ્લેન્ડ સામે 158 રનની હારનો સામનો કરવો પડયો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી 107 મેચ રમાઇ છે, જેમાં ભારતે 32 અને ઓસ્ટ્રેલિયાએ 45 મેચ પોતાના નામે કરી છે. બંને ટીમ વચ્ચે પ્રથમ મેચ 1974મા રમાઇ હતી, ત્યારે લાલા અમરનાથ ટીમ ઇન્ડિયાના કેપ્ટન હતા.
ભારત એ આ ટીમ સામે રમી છે સૌથી વધુ ટેસ્ટ મેચ
ઇંગ્લેન્ડ – 131 ટેસ્ટ
ઓસ્ટ્રેલિયા- 107 ટેસ્ટ
વેસ્ટ ઇન્ડીઝ- 99 ટેસ્ટ
ન્યૂઝીલેન્ડ- 62 ટેસ્ટ
પાકિસ્તાન- 59 ટેસ્ટ
શ્રીલંકા- 46 ટેસ્ટ
દક્ષિણ આફ્રિકા- 42 ટેસ્ટ
બાંગ્લાદેશ- 13 ટેસ્ટ
ઝિમ્બાબ્વે- 11 ટેસ્ટ
અફઘાનિસ્તાન- 1 ટેસ્ટ