ભારતીય ક્રિકેટ ટીમ તેની આગામી સિરીઝ રમવા માટે વેસ્ટ ઈન્ડિઝ પહોંચી ગઈ છે. ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસમાં ત્રણેય ફોર્મેટની સિરીઝ રમવાની છે. આ પ્રવાસની શરૂઆત 12 જુલાઈના રોજ ટેસ્ટ મેચથી થશે. પ્રથમ ટેસ્ટ મેચ ડોમિનિકામાં રમાશે. આ પ્રવાસની શરૂઆત પહેલા, ભારતીય ટીમના ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ ખેલાડી સર ગારફિલ્ડ સોબર્સને મળ્યા હતા.
In Barbados & in the company of greatness! 🫡 🫡#TeamIndia meet one of the greatest of the game – Sir Garfield Sobers 🙌 🙌#WIvIND pic.twitter.com/f2u1sbtRmP
— BCCI (@BCCI) July 5, 2023
BCCIએ શેર કર્યો સર ગારફિલ્ડ સોબર્સ સાથે મુલાકાતનો વીડિયો
BCCI દ્વારા સર ગારફિલ્ડ સોબર્સ સાથે ભારતીય ખેલાડીઓની મુલાકાતનો વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમ હાલ બાર્બાડોસમાં છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા પ્રથમ વખત સર ગારફિલ્ડ સોબર્સને મળ્યો હતો. આ પછી મુખ્ય કોચ રાહુલ અને ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે દેખાયા હતા.
વિરાટ કોહલીએ કરી સર ગારફિલ્ડ સોબર્સ સાથે મુલાકાત
આ પછી વિરાટ કોહલી વીડિયોમાં આગળ દેખાયો હતો. કોહલીએ પણ સર ગારફિલ્ડ સોબર્સ સાથે મુલાકાત કરી અને હાથ મિલાવ્યા. કોહલી અને સર ગારફિલ્ડ સોબર્સ વચ્ચે થોડી વાતચીત પણ થઈ હતી. આ પછી કોચ રાહુલ દ્રવિડે શુભમન ગિલનો સર ગારફિલ્ડ સોબર્સ સાથે પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર અને અંતે આર અશ્વિન અને રાહુલ દ્રવિડે સર ગારફિલ્ડ સોબર્સ સાથે વાત કરી હતી.
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ છે સર ગારફિલ્ડ સોબર્સ
સર ગારફિલ્ડ સોબર્સ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેનોમાંના એક છે. તેમણે વર્ષ 1954થી વર્ષ 1974 વચ્ચે વેસ્ટ ઈન્ડિઝ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું હતું. તેમણે તેમના ઇન્ટરનેશનલ કરિયરમાં 93 ટેસ્ટ અને 1 વનડે રમી છે. ટેસ્ટની 160 ઇનિંગ્સમાં બેટિંગ કરતા સર ગારફિલ્ડ સોબર્સે 57.78ની એવરેજથી 8032 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 26 સદી અને 30 ફિફ્ટી ફટકારી છે અને તેમનો ઉચ્ચ સ્કોર 365 રને અણનમ રહ્યો છે.