ભારતના ૭૭માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ રાષ્ટ્રના નામે સંદેશો આપ્યો હતો. તેમણે દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામના આપી હતી. મહિલા સશક્તિકરણથી લઈને અર્થવ્યવસ્થા અને જી-૨૦ જેવા મુદ્દાઓ પર વિચારો વ્યકત કર્યા હતાં.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ રાષ્ટ્રજોગ સંદેશમાં જણાવ્યું કે, સ્વતંત્રતા દિવસ આપણને યાદ અપાવે છે કે, આપણે માત્ર વ્યક્તિ જ નહીં પરંતુ, એક મહાન જન સમુદાયના ભાગ છીએ. જે પોતાના પ્રકારનો એક મોટો અને જીવંત સમુદાય છે. આ વિશ્વના સૌથી મોટા લોકતંત્રના નાગરિકોનો સમુદાય છે.
મહિલાઓના યોગદાનને બિરદાવતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધીને પોતાનું યોગદાન આપી રહી છે અને દેશના ગૌરવને વધારી રહી છે. તેમણે મહિલાઓની આર્થિક સશક્તિકરણ પણ ધ્યાન આપવામાં આવી રહ્યું હોવાને કારણે નક્કર પરિણામો મળી રહ્યાં હોવાનું કહ્યું હતું.
રાષ્ટ્રપતિએ જી-૨૦નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ભારત દુનિયાના વિકાસના લક્ષ્યો અને માનવ સહયોગને વધારવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે અર્થવ્યવસ્થાના સંદર્ભમાં કહ્યું કે, ભારતે વિપરીત પરિસ્થિતિઓને અવસરમાં તબદીલ કરી છે. વિશ્વના મુશ્કેલ સાબિત થયેલા સમયમાં ભારતની અર્થવ્યવસ્થા સમર્થ સિદ્ધ થઈ છે.