ભારત સરકાર હવે આગામી પેઢીના અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક પાસપોર્ટ (ઈ-પાસપોર્ટ) લોન્ચ કરી રહી છે, જે પરંપરાગત પાસપોર્ટ કરતાં વધુ સુરક્ષિત, મજબૂત અને ત્વરિત મુસાફરી અનુભવ આપશે. ‘પાસપોર્ટ સેવા કાર્યક્રમ 2.0’ હેઠળ શરૂ થતું આ નવું મોડલ RFID ચિપ (રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન) અને આધુનિક સુરક્ષા લેવલથી સજ્જ રહેશે, જેથી ઓળખ ચોરી, ડુપ્લીકેટ પાસપોર્ટ અને દસ્તાવેજોમાં ફેરફાર જેવી છેતરપિંડીયુક્ત પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવામાં મદદ મળશે. આ ચિપમાં પાસપોર્ટ ધારકનું ફોટો, બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ અને વ્યકિતગત વિગતો એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં સંગ્રહિત રહેશે, જે ICAO (International Civil Aviation Organization)ના આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તૈયાર કરાશે.
ઈ-પાસપોર્ટનું વિશેષ લક્ષણ એ છે કે તેમાં કોન્ટેક્ટલેસ ચિપ રીડિંગ ટેક્નોલોજી હશે, એટલે ઇમિગ્રેશન સમયે માત્ર સ્કેનર નજીક લાવવાથી માહિતી તરત પ્રાપ્ત થઈ જશે. આથી એરપોર્ટ પર લાઇનો ઘટશે અને વેરિફિકેશન પ્રક્રિયા ઘણી ઝડપથી પૂર્ણ થશે. ઉપરાંત, માળખાકીય રીતે તેમાં માઈક્રો ટેક્સ્ટ, સિક્રેટ પ્રિન્ટિંગ પેટર્ન, રિલીફ ટિન્ટ્સ, સુરક્ષા ફાઈબર સહિત અનેક લેયરવાળા સુરક્ષા ફીચર્સ હશે, જે બનાવટી નકલ અશક્ય બનાવશે.
આ આખી પ્રોસેસને ડિજિટલ, AI-સક્ષમ અને પારદર્શક બનાવવા માટે ‘પાસપોર્ટ સેવા કાર્યક્રમ 2.0’માં AI ચેટબોટ, વોઈસ બોટ આસિસ્ટન્સ, ઓટો-ફિલ અરજી, ડિજિટલ દસ્તાવેજ વેરિફિકેશન, UPI/QR કોડ પેમેન્ટ જેવી સુવિધાઓ સામેલ છે. ઉપરાંત આ સિસ્ટમ Aadhaar, PAN અને DigiLocker સાથે ઇન્ટિગ્રેટેડ રહેશે, જેથી દસ્તાવેજોની ચકાસણી ઝડપી થશે. દેશના દરેક નાગરિકને આ સેવા સરળતાથી મળી રહે, તે માટે સરકારે 37 રીજનલ પાસપોર્ટ ઓફિસ, 93 પાસપોર્ટ સેવા કેન્દ્ર અને 451 પોસ્ટ ઓફિસ આધારિત સેવા કેન્દ્ર કાર્યરત કર્યા છે, અને કેટલાક વિસ્તારોમાં મોબાઈલ પાસપોર્ટ સેવા વાન પણ શરૂ કરી છે.
આ નવી વ્યવસ્થા ભારતને સ્માર્ટ અને સિક્યોર ટ્રાવેલ ડોક્યુમેન્ટેશન સિસ્ટમ તરફ દોરી જાય છે, અને આગામી સમયમાં તે વૈશ્વિક સ્તરે મુસાફરીને વધુ સલામત, વિશ્વસનીય અને ઝડપી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel