ચીન અને ફિલિપાઈન્સ વચ્ચે સાઉથ ચાઈના સીમાં ચાલી રહેલા વિવાદમાં ભારતે ફિલિપાઈન્સનુ પૂરજોશમાં સમર્થન કર્યુ છે.
ફિલિપાઈન્સની મુલાકાતે ગયેલા ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ હતુ કે, વૈશ્વિક સ્તરે જે પ્રકારના બદલાવ થઈ રહ્યા છે તેના પરિપ્રેક્ષ્યમાં ભારત અને ફિલિપાઈન્સે સંરક્ષણ ક્ષેત્રમાં એક બીજા સાથેનો સહયોગ વધારવાનો નિર્ણય લીધો છે.
જયશંકરે ફિલિપાઈન્સના વિદેશ મંત્રી સાથે સાઉથ ચાઈના સીમાં ચીન અને ફિલિપાઈન્સ વચ્ચેના ટકરાવ અંગે પણ ચર્ચા કરી હતી અને એ પછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જયશંકરે આડકતરી રીતે ચીનને આંતરરાષ્ટ્રીય નિયમોનુ પાલન કરવા માટે સલાહ આપી હતી. જયશંકર ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ બોંગબોંગ મારકોસને પણ મળ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશો આપ્યો હતો.
રસપ્રદ યોગાનુયોગ એ પણ છે કે, જયશંકરની મુલાકાત ટાણે જ ભારતીય કોસ્ટ ગાર્ડનુ જહાજ પહેરેદાર..પણ ફિલિપાઈન્સની રાજધાની ખાતે પહોંચ્યુ છે. જે દર્શાવે છે કે ફિલિપાઈન્સ સાથેના સબંધોને ભારત મજબૂત કરી રહ્યુ છે.
સાઉથ ચાઈના સીમાં આવેલા આયુનગિન શાઓલ નામના ટાપુ પર ચીન પોતાનો દાવો કરે છે અને ફિલિપાઈન્સ દ્વારા આ ટાપુ પર જરુરી પૂરવઠો પૂરો પાડવા માટે જહાજ મોકલવામાં આવે તો તેને ચીનની નૌસેના કે કોસ્ટગાર્ડના જહાજો અટકાવતા હોય છે કે ટક્કર મારીને નુકસાન પહોંચાડતા હોય છે. ચીન જે ટાપુ પર પોતાનો દાવો કરી રહ્યુ છે તે ચીનના કિનારાથી 2000 કિલોમીટર દુર છે અને ફિલિપાઈન્સથી માત્ર 200 કિલોમીટરના અંતરે છે.
બંને દેશો લાંબા સમયથી તેની માલિકીના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ખટરાગમાં ચીન દ્વારા પાકિસ્તાનનુ સમર્થન કરવામાં આવી રહ્યુ છે તે જ રીતે હવે ભારતે પણ ચીન સામે ફિલિપાઈન્સને સમર્થન પૂરુ પાડવાનુ શરુ કરીને ચીનને તેની જ ભાષામાં જવાબ આપવા માંડ્યો છે.
જેના ભાગરુપે ફિલિપાઈન્સમાં જયશંકરે ઈશારાઓમાં જ ચીનને આંતરરાષ્ટ્રીય નિયમોને માનવાની ટકોર કરીને ફિલિપાઈન્સને સમર્થન જાહેર કર્યુ હતુ.