શુક્રવાર ૨૮મી જૂન, ૨૦૨૪નો દિવસ ભારતના ડેટ માર્કેટના ઈતિહાસનો એક સુર્વણ દિવસ બનવા જઈ રહ્યો છે. આજથી જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપનીના ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેકસમાં ભારતની સરકારી જામીનગીરીઓને સ્થાન આપવામાં આવશે. ભારતીય અર્થતંત્રની આ ઐતિહાસિક સિદ્ધિનો અગાઉથી જ લાભ ખટવા માટે વિદેશી રોકાણકારોએ ૨૦૨૪ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં લગભગ ૮ અબજ ડોલર ભારતીય બોન્ડ માર્કેટમાં ઠાલવ્યા છે. ગત વર્ષની સરખામણીમાં આ નાણાપ્રવાહ નોંધપાત્ર વધારે છે.
જોકે નિષ્ણાતોના મતે આ માત્ર શરૂઆત છે કારણકે સ્થાનિક બોન્ડ માર્કેટ આગામી ૧૦ મહિનામાં લગભગ ૩૦ અબજ ડોલરનો ઈન્ફલો આવશે. સ્થાનિક ડેટ માર્કેટમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા ચોખ્ખું રોકાણ ૨૦૨૩ના પ્રથમ છ મહિનામાં માત્ર ૨.૧ અબજ ડોલર હતું. બોન્ડ માર્કેટમાં ભારતના ઉમેરણની ઘોષણા બાદથી ૧૧.૨ અબજ ડોલરના પ્રવાહને જોતાં અમે આગામી ૧૦ મહિનામાં વધુ ૩૦ અબજ ડોલર એટલેકે સરેરાશ દર મહિને ૩ અબજ ડોલરનું રોકાણ આવી શકે છે તેમ ગોલ્ડમન સાક્સના ડેની સુવાનપ્રુતિ સહિતના વિશ્લેષકોએ એક નોટમાં જણાવ્યું હતું.
જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપનીએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં જાહેરાત કરી હતી કે તેના બેન્ચમાર્ક ગ્લોબલ બોન્ડ ઇન્ડેક્સ ઇમર્જિંગ માર્કેટ્સ ઇન્ડેક્સમાં ભારતીય સરકારી બોન્ડ ઉમેરશે. જીબીઆઈ-ઈમર્જિંગ માર્કેટ વૈશ્વિક ઈન્ડેકસની શ્રેણીમાં પ્રવેશનાર ભારત ૨૫મું બજાર હશે.
જેપી મોર્ગન ખાતે ઈન્ડેક્સ રિસર્ચના વડા ગ્લોરિયા કિમના જણાવ્યા અનુસાર સરકારી બોન્ડના સમાવેશથી વૈશ્વિક પ્રવાહના ૨૦-૨૫ અબજ ડોલરને ભારતીય -Kમાં આકર્ષિત કરવાની ક્ષમતા છે.
વૈશ્વિક સૂચકાંકોમાં સરકારી જામીનગીરીના સમાવેશને કારણે ફોરેન ઈન્ફલો, ફિસ્કલ કોન્સોલિડેશન અને યુએસ ટ્રેઝરી યિલ્ડમાં ઘટાડાને કારણે છેલ્લા છ મહિનામાં ભારતના બોન્ડ યિલ્ડમાં પણ ઘટાડો થયો છે અને આગામી સમયમાં આ ઈન્ડેક્સ ઈન્કલુઝનના ઈન્ફલોને કારણે વધુ ઘટાડો થશે અને ૩ મહિનામાં યિલ્ડ ૬.૮૦-૬.૮૫ ટકા સુધી હળવી થઈ શકે છે.
આ સિવાય બોન્ડના સમાવેશથી સરકારી બોન્ડની વિદેશી માલિકી પણ બમણી થશે. ભારતના દેવાની વિદેશી હોલ્ડિંગ કુલ બાકી દેવાના લગભગ ૨.૪ ટકા છે અને જેપી મોર્ગન આગામી વર્ષમાં આ સ્તર ૪.૪ ટકા સુધી પહોંચવાની અપેક્ષા રાખે છે. વૈશ્વિક બોન્ડ સૂચકાંકોમાં સમાવિષ્ટ સિક્યોરિટીઝમાં કોઈ વિદેશી રોકાણ મર્યાદા હોતી નથી. તાજેતરના મહિનાઓમાં આરબીઆઈ દ્વારા વ્યાજદર ઘટાડાની આશાએ વિદેશી રોકાણકારોએ વધુ સારા વળતરની અપેક્ષામાં લાંબાગાળાના સરકારી બોન્ડ ખરીદવાનું શરૂ કર્યું છે.