કેન્દ્ર સરકારે ગ્રીન હાઈડ્રોજન મિશન પ્રોજેક્ટની જાહેરાત કર્યા બાદ ગુજરાતમાં હાઈડ્રોજન બનાવવા માટેના આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝર બનાવતી કંપનીના શ્રી ગણેશ કરાયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) સાણંદમાં ગ્રીન હાઇડ્રોજન (Green hydrogen) માટે બનાવવામાં આવતા આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝર મશીનની કંપનીનું ભૂમિ પૂજન કર્યું. અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે હતા. ત્યારે અમિત શાહે સાણંદ જીઆઇડીસીના કાર્યક્રમમાં સ્થાનિક રોજગારી પર ભાર મુકવા સૂચન કર્યું હતુ.
અમિત શાહે ગ્રીનઝૉ એનર્જી કંપનીના પ્લાન્ટનું ભૂમિ પૂજન કર્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન ગ્રીન હાઈડ્રોજનની જાહેરાત કર્યા બાદ ગ્રીન હાઈડ્રોજન એનર્જી બનાવવા માટેની મશીનરીના પ્લાન્ટની સ્થાપના સાણંદ જીઆઇડીસીમાં થઈ. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગ્રીનઝૉ એનર્જી કંપનીના પ્લાન્ટનું ભૂમિ પૂજન કર્યું. ગ્રીનઝો એનર્જી કંપની ત્રણ વર્ષમાં 2500 કરોડનું મૂડીરોકાણ કરી 250 મેગાવોટ આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝરનું ઉત્પાદન કરશે.
પ્લાન્ટ બન્યા બાદ 500 સ્થાનિકોને રોજગારી મળી રહેશે
જેને આગામી પાંચ વર્ષમાં ઉત્પાદન ક્ષમતા એક હજાર મેગાવોટ કરવાનો ધ્યેય નક્કી કરાયો છે. સાણંદ જીઆઈડીસીમાં 13,777 ચો.મી જમીનની ફાળવણી કરાઈ છે. પ્લાન્ટ તૈયાર થયા બાદ 500 સ્થાનિકોને રોજગારી મળી રહેશે અને ત્રણ વર્ષમાં હાઈડ્રોજન મશીનરીનું ઉત્પાદન શરૂ થઈ જવાની ઈચ્છા વ્યક્ત કરાઈ છે.
સ્થાનિકોને રોજગારી આપવા ઉદ્યોગો ભાર મૂકે:અમિત શાહ
ગ્રીનઝો કંપનીના ભૂમિ પૂજન સાથે અમિત શાહે સાણંદ જીઆઇડીસી માટે મીની આઇટીઆઇનું પણ ખાતમૂહુર્ત કરવામાં આવ્યું. મીની આઈટીઆઈમાં સાણંદ જીઆઇડીસીની કંપનીઓ માટે જરૂરી સ્કિલબેઝ વર્કરો તૈયાર કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસંગે સ્થાનિક રોજગારી પર ભાર આપવા જીઆઇડીસીને વિનંતી કરી હતી.તેમણે જણાવ્યું હતુ કે જીઆઇડીસી એ સુનિશ્ચિત કરે કે સાણંદ જીઆઇડીસીમાં અમદાવાદના 5 તાલુકાઓના યુવાઓને રોજગારી મળી રહે. આ સિવાય સાણંદ જીઆઇડીસીની કંપનીઓને સીએસઆર ફંડ સ્થાનિક કક્ષાએ વાપરવા માટે પણ સૂચન કર્યું હતું.