દક્ષિણ આફ્રિકામાં ૧૫મી બ્રિક્સ બેઠક વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગે વાસ્તવિક નિયંત્રણ રેખા પર શાંતિ સ્થાપિત કરવા અને બંને દેશના સંબંધો સુધારવા માટે ઊભા ઊભા જ કરેલી ઔપચારિક મંત્રણાના બીજા જ દિવસે ડ્રેગને ભારત-ચીન વચ્ચે વાટાઘાટો માટે પહેલ કોણે કરી તે અંગે વિવાદ સર્જ્યો છે. ચીને શુક્રવારે દાવો કર્યો હતો કે બ્રિક્સ સંમેલન દરમિયાન બંને નેતા વચ્ચે થયેલી મંત્રણા ભારતની વિનંતીના પગલે થઈ હતી. બીજીબાજુ ભારતે ચીનના આ દાવાને ફગાવી દેતા કહ્યું કે ચીનના પ્રમુખ જિનપિંગ અને વડાપ્રધાન મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠકની વિનંતી ચીને જ કરી હતી અને ત્યાર પછી જ બંને નેતાઓ વચ્ચે જોહાનિસબર્ગમાં બ્રિક્સ બેઠક દરમિયાન ઔપચારિક મુલાકાત થઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ કોરોના પછી પહેલી વખત મળી રહેલી ૧૫મી બ્રિક્સ બેઠકમાં વ્યક્તિગત હાજરી આપવા દક્ષિણ આફ્રિકા પહોંચ્યા હતા. ત્યારથી જ બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકની સંભાવનાઓ પર આખી દુનિયાની નજર હતી. જોકે, બંને નેતાઓ વચ્ચે આવી કોઈ બેઠક થઈ શકી નહોતી. પરંતુ બ્રિક્સ નેતાના પ્રેસ બ્રિફિંગ પહેલાં વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ જિનપિંગે મંચ પર એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા અને અનૌપચારિક વાતચીત કરી હતી. ચીનના વિદેશ મંત્રાલયે ગુરુવારે એક નિવેદનમાં કહ્યું હતું કે, પ્રમુખ શી જિનપિંગ અને ભારતના વડાપ્રધાન મોદીએ બ્રિક્સ શિખર સંમલેન દરમિયાન મુલાકાત કરી હતી. આ સમયે બંને નેતાઓએ વર્તમાન ચીન-ભારત સંબંધો અને સંયુક્ત હિતોના અન્ય મુદ્દાઓ પર વિચારોનું સ્પષ્ટ અને ગહન આદાન-પ્રદાન કર્યું હતું. બંને નેતા વચ્ચે આ બેઠક ભારતની વિનંતીના પગલે થઈ હતી.
ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, પ્રમુખ શી જિનપિંગે એ બાબત પર ભાર મૂક્યો હતો કે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધારો બંને દેશ અને લોકોના સંયુક્ત હિતો પૂરા કરે છે. સાથે જ દુનિયા અને આ પ્રદેશની શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે પણ અનુકૂળ છે. આ પૃષ્ઠભૂમિમાં બંને પક્ષોે તેમના દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર હિતોને ધ્યાનમાં રાખવા જોઈએ અને સરહદ મુદ્દાનો યોગ્ય રીતે ઉકેલ લાવવો જોઈએ, જેથી સરહદીય ક્ષેત્રમાં શાંતિ જળવાઈ શકે.
જોકે, ચીનનો દાવો ફગાવી દેતાં ભારતીય વિદેશ મંત્રાલયના સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે, ચીન તરફથી જિનપિંગ અને મોદીની દ્વિપક્ષીય બેઠકની વિનંતી થઈ હતી. આ આધારે જ બંને નેતાઓ વચ્ચે જોહાનિસબર્ગમાં વાતચીત થઈ હતી. જોકે, તેમણે લીડર્સ લાઉન્જમાં વાતચીત કરી હતી, જે અનૌપચારિક હતી. બંને નેતાએ દ્વિપક્ષીય બેઠક કરવાનું ટાળ્યું હતું.વડાપ્રધાન મોદી અને જિનપિંગ વચ્ચે આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે આગામી મહિને ભારતમાં જી-૨૦નું શીખર સંમેલન યોજાવાનું છે. ભારત સરકારે ગુરુવારે કહ્યું હતું કે પીએમ મોદીએ આ અનૌપચારિક મંત્રણામાં જિનપિંગ સમક્ષ પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પરના તણાવ અને તે અંગે ભારતની ચિંતાઓ પર પ્રકાશ પાડયો હતો. પીએમ મોદી અને જિનપિંગની અનૌપચારિક મંત્રણા પછી ભારતના વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રો કહ્યું હતું કે, વાતચીત સમયે પીએમ મોદીએ સરહદીય ક્ષેત્રોમાં શાંતિ જાળવી રાખવા અને વાસ્તવિક નિયંત્રણ રેખાનું સન્માન કરવું એ બંને દેશના સંબંધોને સામાન્ય કરવા માટે જરૂરી છે. નવી દિલ્હી ખાતે ચીનના દૂતાવાસે પણ કહ્યું કે, બંને પક્ષોએ તેમના દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર હિતોને ધ્યાનમાં રાખવા જોઈએ.
ચીને અક્સાઈ-ચીનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું
ચીન ભારત સાથે શાંતિ મંત્રણાની વાતો કરે છે, પરંતુ લદ્દાખથી લઈને અરૂણાચલ પ્રદેશ સુધીની સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે. અક્સાઈ-ચીનમાં ચીને બે જ વર્ષમાં સર્વેલન્સ રડાર, રસ્તા સહિતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું હોવાનો પુરાવો આ સેટેલાઈટ તસવીર પૂરો પાડી રહી છે.