સાયબર સ્લેવરીના એક આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ખુલાસો થતાં સુરક્ષા એજન્સીઓ ચોંકી ઊઠી છે. આ મામલે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને તપાસમાં જાણવા મળ્યું છે કે આ સમગ્ર રેકેટનું કનેક્શન પાકિસ્તાન સાથે જોડાયેલું છે. આરોપીઓ ભારતના જુદા જુદા રાજ્યોમાંથી લોકોની પસંદગી કરીને તેમને નોકરી અથવા કમાણીના લાલચમાં મલેશિયા, થાઈલેન્ડ અને મ્યાનમાર મોકલવાની તૈયારીમાં હતા. આ માટે કુલ 39 લોકોને પસંદ કરીને તેમના નામોની યાદી તૈયાર કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ખબર પડી કે પાકિસ્તાનના રમીઝ અને તનવીર નામના બે વ્યક્તિઓ આ સમગ્ર નેટવર્કના મુખ્ય સંચાલક હતા, જ્યારે ભારત તરફથી જૂનાગઢની સોનલ તેમની સીધી સંપર્ક વ્યક્તિ હતી. કૌભાંડના મોડસ ઓપરન્ડી પ્રમાણે, લોકો મ્યાનમાર પહોંચ્યા પછી દરેક વ્યક્તિ પાછળ 2,000 અમેરિકી ડોલરનું કમિશન નેટવર્કના સભ્યોને મળતું હતું. ત્યાં પહોંચ્યા બાદ લોકોનો પાસપોર્ટ કબજે કરી તેમને બળજબરીથી સાયબર છેતરપિંડી, ફ્રોડ કોલ સેન્ટર્સ અને ઓનલાઈન ડેટા સ્કેમ માટે કામ કરાવવામાં આવતું હતું, જેથી તેઓ માનવ દાસ્યની સ્થિતિમાં ફસાય જાય.
આ કેસ એ સ્પષ્ટ કરી દે છે કે સાયબર ક્રાઇમ હવે માત્ર ઓનલાઈન છેતરપિંડી કે નાણાંકીય ફ્રોડ સુધી મર્યાદિત નથી, પરંતુ તેનો સ્વરૂપ માનવ તસ્કરી, દાસ્ય અને આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાને જોડાઇને અત્યંત જોખમરૂપ બની ચૂક્યું છે. સુરક્ષા એજન્સીઓ સમગ્ર નેટવર્કના આંતરરાષ્ટ્રીય કડીઓને શોધી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકોની ધરપકડ માટે પ્રયાસો ચાલુ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel