ઈરાનમાં આર્થિક કટોકટી, વધતી મોંઘવારી અને ચલણના ભારે અવમૂલ્યનને કારણે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો હવે દેશવ્યાપી સ્વરૂપ લઈ ચૂક્યા છે. જાન્યુઆરી 2026ના પ્રથમ સપ્તાહમાં આ પ્રદર્શનોએ હિંસક વળાંક લીધો છે અને તેને 2022-23ના ‘મહસા અમીની’ આંદોલન પછીનો સૌથી મોટો જનવિદ્રોહ માનવામાં આવી રહ્યો છે. વિવિધ અહેવાલો અનુસાર, સુરક્ષા દળોની કાર્યવાહી અને અથડામણોમાં અત્યાર સુધીમાં 45થી વધુ લોકોનાં મોત થયા હોવાનું કહેવાઈ રહ્યું છે, જ્યારે હજારો લોકો ઘાયલ થયાની પણ ચર્ચા છે.
પરિસ્થિતિ કાબૂમાં લેવા અને પ્રદર્શનકારીઓની સંગઠિત ગતિવિધિઓને રોકવા માટે ઈરાની સત્તાવાળાઓએ તેહરાન સહિત અનેક મોટા શહેરોમાં ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. સાથે સાથે, હિંસાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા મારફતે બહાર ન જાય તે માટે પણ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આર્થિક મોરચે પર સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે. ઈરાનનું ચલણ રિયાલ ઇતિહાસના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે અને હાલમાં એક અમેરિકી ડોલરની કિંમત 14 લાખ રિયાલને પાર કરી ગઈ છે, જેના કારણે ખોરાક, ઈંધણ અને દવાઓ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે.
શરૂઆતમાં આ વિરોધ પ્રદર્શનો રોજગાર, મોંઘવારી અને આર્થિક અસમાનતા જેવા મુદ્દાઓ સુધી સીમિત હતા, પરંતુ હવે તેમાં સ્પષ્ટ રીતે રાજકીય વિરોધ ઉમેરાયો છે. લોકો રસ્તા પર ઉતરીને ‘સરમુખત્યાર મુર્દાબાદ’ જેવા નારા લગાવી રહ્યા છે અને સર્વોચ્ચ નેતા અલી ખામેનીના શાસન સામે ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન દેશનિકાલ કરાયેલા ઈરાનના ક્રાઉન પ્રિન્સ રેઝા પહલવીએ પણ પ્રજાને રસ્તા પર ઉતરી વિરોધ કરવાની અપીલ કરી છે, જેને પ્રદર્શનકારીઓ તરફથી વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.
સરકારી આંકડાઓ અને માનવાધિકાર સંગઠનોના અહેવાલ મુજબ, પ્રદર્શનો શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 2,270થી વધુ લોકોની ધરપકડ થઈ ચૂકી છે. કડક દમન, ઇન્ટરનેટ શટડાઉન અને વધતી હિંસા વચ્ચે ઈરાનની સ્થિતિ વધુ અસ્થિર બની રહી છે, અને આવનારા દિવસોમાં આ જનઆંદોલન કઈ દિશામાં જશે તેના પર સમગ્ર વિશ્વની નજર ટકી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel