IPLમાં ગુજરાતને હરાવીને ચેન્નઈ સુપર કિંગ્સ પાંચમી વખત ચેમ્પિયન બની હતી. ગત સીઝનમાં પ્લેઓફમાં પણ ન પહોંચી શકનારી આ ટીમે ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરીને ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. ગઈકાલે ચેન્નઈએ ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરતને હરાવ્યુ હતું. મેચ પુરો થયા બાદ ધોનીએ મેચના હીરો જાડેજા અને નિવૃત્તિ જાહેર કરેલા રાયડુને ટ્રોફી લેવા સ્ટેજ બોલાવી ફરી એકવાર ક્રિક્રેટ પ્રેમીઓનુ દીલ જીતી લીધુ હતું.
રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બે બોલમાં એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકારીને ચેન્નઈને ચેમ્પિયન બનાવ્યું હતું. આ સાથે આ મેચ અંબાતી રાયડુની છેલ્લી IPL મેચ હતી. અંબાતી રાયડુએ ફાઈનલ પહેલા IPLમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. આ મેચમાં રાયડુએ 8 બોલમાં 19 રન ફટકાર્યા હતા જ્યારે જાડેજા 6 બોલમાં 15 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. મેચ પુરો થયા બાદ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર બતાવ્યું છે કે તે શા માટે બીજા ક્રિકેટરથી અલગ છે. ચેન્નઈ મેચ જીત્યા બાદ જ્યારે ધોનીને IPL ટ્રોફી લેવા માટે સ્ટેજ પર બોલાવવામાં આવ્યો ત્યારે તે એકલો ટ્રોફી લેવા પહોંચ્યો ન હતો. ધોની સાથે રાયડુ અને જાડેજા ટ્રોફી લેવા સ્ટેજ પર આવ્યા હતા.
ધોનીએ રાયડુને ટ્રોફી આપીને વચ્ચે ઉભો રાખ્યો હતો જ્યારે પોતે જાડેજા સાથે સાઈડમાં ઉભો રહી ગયો હતો. ધોનીએ પોતાની કેપ્ટનશિપ દરમિયાન એવા ઘણા કામ કર્યા છે, જે બાદમાં ભારતીય ક્રિકેટ ટીમમાં ટ્રેન્ડ બની ગયા હતા. ટ્રોફી જીતતાની સાથે જ તે યુવા ખેલાડીને ટ્રોફી આપી દેતો હતો. ધોનીએ પોતે એક વખત કહ્યું હતું કે ક્રિકેટ એક ટીમ ગેમ છે અને કેપ્ટનને પહેલા અલગ ફૂટેજ મળી જાય છે, તેથી જ તે ટીમને ટ્રોફી સોંપે છે કારણ કે આખી ટીમે મળીને ટાઇટલ જીતી હોય છે.
IPL 2023ની ફાઈનલ મેચ 28 મેના રોજ રમાવાની હતી. જો કે વરસાદના કારણે તેને રિઝર્વ ડેમાં શિફ્ટ કરવી પડી હતી. ગઈકાલે પણ વરસાદે મેચમાં વિક્ષેપ પાડ્યો હતો. ચેન્નઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં ચાર વિકેટે 214 રન બનાવ્યા હતા. ચેન્નઈની ઇનિંગ દરમિયાન વરસાદને કારણે મેચ પહેલી જ ઓવરમાં રોકવી પડી હતી. મેચ શરૂ થઈ ત્યારે ચેન્નઈને 15 ઓવરમાં જીતવા માટે 171 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ મેચના છેલ્લા બે બોલમાં ચેન્નઈને ચેમ્પિયન બનાવ્યુ હતું.