જો તમારૂ અથવા તો તમારા પરીવારમાંથી કે સગા-સંબંધીમાંથી કોઈનું આ 30 બેંકમાંથી કોઈપણ એક અથવા વધારે બેંકમાં જૂનું બેંક ખાતું છે, જેમાં વર્ષોથી કોઈ ટ્રાન્સેકશન ન થયા હોય અથવા સરકારી સબસિડી સાથે જોડાયેલું હોય પણ લાંબા સમયથી એક્સેસ ન થયું હોય. જો તમારા પરિવારના રૂપિયા બેંક ખાતામાં ક્યાંક ફસાયેલા છે, તો હવે તમે તે ક્લેમ કરી ઉપાડી શકો છો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની એક સર્વિસ તમને મદદ કરશે.
જૂના અટકેલા રૂપિયા પરત મેળવી શકો છો
બેંકમાં પડેલી ‘દાવા વગરની રકમ’ પરત કરવા માટે RBI એ ‘ઉદગમ પોર્ટલ’ લોન્ચ કર્યું છે. તેને ‘અનક્લેઈમ ડિપોઝિટ ગેટવે ટુ એક્સેસ ઇન્ફોર્મેશન’ એટલે કે ઉદગમ નામ આપવામાં આવ્યું છે. આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને, તમે જૂના અટકેલા રૂપિયા પરત મેળવી શકો છો.
30 બેંક ઉદગમ પોર્ટલ પર ઉપલબ્ધ
RBI એ મંગળવારે માહિતી આપી હતી કે, અત્યાર સુધીમાં 30 બેંક ઉદગમ પોર્ટલ સાથે જોડાયેલી છે. તેમાં માત્ર સરકારી બેંક SBI, બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંકની સાથે પ્રાઈવેટ બેંક HDFC બેંક, Axis બેંક, ICICI બેંક, HSBC બેંક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડનો પણ સમાવેશ થાય છે.
દાવા વગરની રકમની માહિતી મળશે
ઓનલાઈન પોર્ટલ ઉદગમની મદદથી રજિસ્ટર્ડ લોકોને એક જ જગ્યાએ અલગ-અલગ બેંક ખાતાઓમાં તેમની અથવા તેમના પરિવારની દાવા વગરની રકમની માહિતી મળશે. તેનાથી તેમના માટે એક જ જગ્યાએથી આ દાવા વગરના રૂપિયાનો દાવો કરવાનું સરળ બનશે. હાલ બેંકોમાં જે થાપણો દાવા વગરની રહે છે તે RBI દ્વારા ડિપોઝિટર્સ એજ્યુકેશન અને અવેરનેસ માટે બનાવવામાં આવેલ ફંડમાં જમા કરવામાં આવે છે.
સેન્ટ્રલ બેંકે કહ્યું છે કે, 4 માર્ચ સુધી 30 બેંક ઉદગમ પોર્ટલ સાથે જોડાઈ છે. બાકીની બેંક પણ ટૂંક સમયમાં આ પોર્ટલ સાથે જોડાશે. કુલ દાવા વગરની થાપણોમાંથી લગભગ 90 ટકા આ 30 બેંકમાં જમા છે. ઉદગમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે યુઝર્સે તેમનું નામ, મોબાઇલ નંબર વગેરે દાખલ કરીને નોંધણી કરાવવી ફરજિયાત છે. માર્ચ 2023 સુધી દેશની જુદી-જુદી બેંકમાં કુલ 42,270 કરોડ રૂપિયાની રકમ દાવા વગરની છે.