પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની નોઈડાના સચિનસિંહ મીણા સાથેની લવ સ્ટોરીનું સસ્પેન્સ ઉકેલાયું નથી ત્યાં હવે ભારતની અંજુ થોમસની પાકિસ્તાનના નસરુલ્લાહ સાથેની લવ સ્ટોરી ગાજી છે. સીમાની જેમ રાજસ્થાનના અલવરમાં રહેતી અંજુ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પાંચ વર્ષ પહેલાં નસરુલ્લાના પરિચયમાં આવેલી. બંને વચ્ચે મિત્રતા ગાઢ બની ને અંજુ નસરુલ્લાના પ્રેમમાં પડી. સીમાની જેમ અંજુ પણ પોતાના પ્રેમી નસરુલ્લાથી પાચં વર્ષ મોટી છે અને બે સંતાનોની માતા છે. નસરુલ્લાહ ૨૯ વર્ષનો છે જ્યારે અંજુ ૩૪ વર્ષની છે.
ગયા અઠવાડિયે અંજુ પોતાના ઘરેથી જયપુર જવાનું કહીને નિકળી ને પછી અચાનક પાકિસ્તાનમાં દેખાઈ. પાકિસ્તાન પહોંચેલી અંજુ પોતાના મિત્રને મળવા આવી છે ને પાછી ભારત આવી જશે એવો દાવો કરાયેલો ત્યાં મંગળવારે નવો ટ્વિસ્ટ આવી ગયો. અચાનક સમાચાર આવ્યા કે, અંજુ ઈસ્લામ કબૂલ કરીને ફાતિમા બની ગઈ છે અને નસરુલ્લાહ સાથે નિકાહ પઢી લીધા છે.
અંજુએ ફાતિમા બનીને નસરુલ્લા સાથે પેશાવરની સ્થાનિક કોર્ટમાં લગ્ન કર્યાં એ સમાચાર તો ચોંકાવનારા છે જ પણ વધારે ચોંકાવનારી વાત તેમનાં લગ્નમાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના માણસોની હાજરી છે. અંજુ-નસરુલ્લાહે નિકાહ પહેલાં લેવિશ લોકેશન્સ પર ડ્રોનથી પ્રી-વેડિંગ શૂટિંગ કરાવ્યું છે. આ શૂટિંગમાં પાકિસ્તાન પોલીસના માણસો અને આઈએસઆઈના કમાન્ડો દેખાય છે. અંજુ અને નસરુલ્લા ફરવા ગયાં ત્યાં પણ સતત કમાન્ડો તેની સાથે ફર્યા જ કરે છે. એ પછી અંજુએ ધર્મપરિવર્તન કર્યું ત્યારે પણ આઈએસઆઈના કમાન્ડોનો તેની આસપાસ જમાવડો દેખાય છે. આ કમાન્ડો પણ એક -બે નહીં પણ પચાસેક હોવાનો મીડિયામાં દાવો કરાયો છે. તેના કારણે અંજુ-નસરુલ્લાહના નિકાહ આઈએસઆઈએ કરાવ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
અંજુના પતિ નસરુલ્લાહે દાવો કર્યો છે કે, પોતે અંજુની સુરક્ષા માટે માગણી કરી હતી તેથી પોલીસ સતત તેમની સાથે છે પણ આ વાત ગળે ઉતરે એવી નથી. અંજુની જાનને ખતરો હોય તો પણ તેની સાથે એક-બે પોલીસો હોય. અંજુ કંઈ વીવીઆઈપી નથી કે આઈએસઆઈના પચાસ કમાન્ડો તેની સાથે સતત રહે. અંજુ-નસરુલ્લાની લવ સ્ટોરીમાં આઈએસઆઈની અચાનક એન્ટ્રી પણ શંકાપ્રેરક છે.
અંજુ પાકિસ્તાન પહોંચી છે એવું બહાર આવ્યું ત્યારે અંજુના પ્રેમી નસરુલ્લાએ પોતે કહેલું કે, અંજુના વિઝા ૨૦ ઓગસ્ટે પૂરા થશે એટલે ભારત પાછી આવી જશે. અંજુ સાથે પોતાને અફેર નહીં હોવાનું પણ ફ્રેન્ડશીપ જ હોવાનો દાવો કરીને નસરુલ્લાએ બંને વચ્ચે નિકાહની શક્યતા પણ નકારી કાઢેલી. પછી અચાનક આઈએસઆઈની એન્ટ્રી થઈ અને નસરુલ્લાએ અંજુ સાથે નિકાહ પઢી લીધા તેના કારણે દાળમાં કશુંક કાળું હોવાની શંકા જાગે છે. આઈએસઆઈને અચાનક અંજુમાં કેમ રસ પડી ગયો એ સવાલ ઉઠે છે.
આ ઓછું હોય તેમ અંજુનો આખો પરિવાર રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો છે. અલવરમાં અંજુના ફ્લેટને તાળું લાગેલું છે. અંજુનો પતિ અરવિંદ અને બાળકો ક્યાં છે તેની કોઈને ખબર નથી. પોલીસ પણ તેમના વિશે કંઈ કહી નથી રહી એ જોતાં અંજુની લવ સ્ટોરી રહસ્યમય બની ગઈ છે.
એક શક્યતા એવી પણ વ્યક્ત થઈ રહી છે કે, અંજુ પોતે ૨૦૧૯માં ફેસબુકના નસરુલ્લાના સંપર્કમાં આવી પછી આઈએસઆઈની એજન્ટ બની ગઈ હતી. અંજુ પાકિસ્તાનને સંવેદનશીલ માહિતી પૂરી પાડતી હતી. અંજુ પોતે રાજસ્થાનના અલવરની છે. અલવર પાકિસ્તાનની સરહદથી દૂર છે પણ રાજસ્થાન પાકિસ્તાનની સરહદે આવેલું રાજ્ય છે. આ કારણે ભારતીય લશ્કરનાં થાણાં રાજસ્થાનમાં મોટા પ્રમાણમાં આવેલાં છે. તેના કારણે પાકિસ્તાનની આર્મીને રાજસ્થાનમાં ભારતીય લશ્કરની હિલચાલ વિશે જાણવામાં રસ હોય જ. અંજુના વચન ગ્વાલિયરના ટેકનપુરમાં પણ બોર્ડર સીક્યુરિટી ફોર્સ (બીએસએફ) એકેડમી છે.
અંજુ રાજસ્થાન અને ગ્વાલિયરમાં ભારતીય લશ્કર અંગેની માહિતી પહોંચાડતી હોય પણ પછી ખુલ્લી પડી જવાનો ખતરો લાગતાં પાકિસ્તાન પહોંચી ગઈ એવું કહેવાય છે. અંજુના પાકિસ્તાનના વિઝા તાત્કાલિક મંજૂર થઈ ગયા હતા તેના કારણે આ શક્યતા નકારી શકાય તેમ નથી. ભારતથી પાકિસ્તાન જવા માટે બહુ લોકો પ્રયત્ન કરે છે પણ પાકિસ્તાન સો ગળણે પાણી ગાળીને પછી વિઝા આપે છે. અંજુના કિસ્સામાં એ બધી કડાકૂટ કરાઈ નથી.
અંજુએ પોતે લગ્ન માટે પાકિસ્તાન જવા માગે છે એવું કહ્યું ને તેના વિઝા મંજૂર કરી દેવાયા છે. અંજુએ પાકિસ્તાન હાઈ કમિશનને પોતે ખ્રિસ્તી ડિવોર્સી મહિલા હોવાનું કહેલું. આ દાવાની પણ ચકાસણી કરાયા વિના અંજુને વિઝા આપી દેવાયા તેના કારણે પણ અંજુ શંકાના દાયરામાં છે.આઈએસઆઈ ભવિષ્યમાં અંજુનો ઉપયોગ જાસૂસી માટે કરવા માગતી હોય એ શક્યતા પણ છે. અંજુના પોતાના રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં સંપર્કો છે તેથી અંજુ આ બંને રાજ્યોમાં આઈએસઆઈનું નેટવર્ક વિસ્તારવામાં મદદ કરી શકે. અંજુનો પરિવાર ગરીબ છે ને પહેલાં હિંદુ હતો પણ ધર્માંતરણ કરીને ખ્રિસ્તી બન્યો છે. આ કારણે તેમને સરળતાથી દબાવી શકાશે એ ગણતરીથી આઈએસઆઈએ જ નસરુલ્લા અને અંજુને લગ્ન કરવાની ફરજ પાડી હોય એ શક્યતા નકારી ના શકાય. ભારતમાં અરાજકતા ફેલાવવા માટે આઈએસઆઈ ગમે તે હદે જઈ શકે છે એ જોતાં અંજુને પરાણે પરણાવી દેવાઈ હોય એ શક્ય છે.
અંજુ-નસરુલ્લાની સ્ટોરી સોશિયલ મીડિયા સ્ટોરી દ્વારા શરૂ થયેલી લવ સ્ટોરી હતી ત્યાં સુધી ઠીક હતું પણ આઈએસઆઈની એન્ટ્રી સાથે ચિત્ર બદલાઈ ગયું છે. હવે અંજુ પણ શંકાના દાયરામાં છે ને અંજુનો પરિવાર પણ શંકાના દાયરામાં આવી ગયો છે. આપણી ગુપ્તચર એજન્સીઓએ હવે અંજુના પરિવાર પર પણ નજર રાખવી પડશે. આઈએસઆઈનો રેકોર્ડ જોતાં એ ગમે તે કરી શકે છે એ જોતાં અંજુ ફાતિમા બનીને નસરુલ્લા સાથે નિકાહ પઢીને પાકિસ્તાનમાં રહી ગઈ એ સાથે આ સ્ટોરીનો અંત નથી આવતો.
અંજુના પિતાની વાતો પણ શંકાસ્પદ
અંજુ લગ્ન પહેલાં હિંદુ હતી અને મધ્ય પ્રદેશના ગ્વાલિયરની રહેવાસી છે. અંજુએ અરવિંદ સાથે ૨૦૦૭માં લગ્ન કર્યાં હતાં. અરવિંદ ખ્રિસ્તી છે તેથી અંજુનાં લગ્ન પછી અંજુના પિતા ગયા પ્રસાદે પણ થોડાં વર્ષો પહેલાં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. હવે અંજુના પિતા ગયા પ્રસાદ થોમસ તરીકે ઓળખાય છે.
અંજુના પિતા ગયાપ્રસાદનાં નિવેદનો પણ શંકાસ્પદ છે. ગયાપ્રસાદે દાવો કર્યો કે, પોતે છેલ્લાં ૨૦ વર્ષથી અંજુને મળ્યો જ નથી કે અંજુ કદી ટેકનપુર આવી જ નથી. અંજુ ત્રણ વર્ષની હતી ત્યારથી તેના મામાના ઘરે જતી રહેલી અને તેનાં લગ્ન પણ ત્યાંથી કરાયેલો એવો દાવો પણ ગયાપ્રસાદે કરેલો. વાસ્તવમાં અંજુ ટેકનપુરમાં જ રહેતી હતી. ગયાપ્રસાદે આવી ખોટી વાતો કેમ કરવી પડી રહી છે એ સવાલ છે.
અંજુએ પણ તેના પિતાની જેમ જૂઠાણાં ચલાવ્યાં છે. અંજુ ભિવાડીમાં એક ખાનગી કંપનીમાં ડેટા ઓપરેટર તરીકે નોકરી કરતી હતી. પ્લેસમેન્ટ એજન્સી દ્વારા નોકરી મળી હોવાથી રજાની અરજી પ્લેસમેન્ટ એજન્સીને જ કરવી પડતી. પાકિસ્તાન જવા માટે તેણે પોતાની બહેનને મળવા ગોવા જવાનું હોવાનું કહીને રજા માગી હતી. અંજુની બહેને એક વર્ષ પહેલાં બેંગ્લુરુના બિઝનેસમેન સાથે લવ મેરેજ કર્યાં હતાં અને ગોવામાં રિયલ એસ્ટેટનું કામ કરે છે. અંજુએ ૧૪ જુલાઈએ ગોવા જવાનું કહીને ૧૦ દિવસની રજા લીધી હતી પણ ૨૪ જુલાઈએ તો તે પાકિસ્તાનમાં હોવાની વાત આખી દુનિયાને ખબર પડી ગઈ હતી.
અંજુની એફિડેવિટમાં લગ્નનો ઉલ્લેખ જ નહીં
અંજુએ નસરુલ્લા સાથે લગ્ન કર્યાં એ પહેલાં કોર્ટમાં કરેલી એફિડેવિટ વાયરલ કરવામાં આવી છે.
આ એફિડેવિટમાં અંજુ પરીણિત હોવાનો કોઈ ઉલ્લેખ નથી. આ એફિડેવિટમાં લખેલું છે કે, હું અંજુ ગયા પ્રસાદની પુત્રી છું અને ફ્લેટ નંબર ૭૦૪, ટાવર ટેરા એલિગન્સ, ભિવાડી (અલવર) ભારત ખાતે રહું છું. મારું અગાઉનું નામ અંજુ હતું અને હું ખ્રિસ્તી હતી. મેં સ્વેચ્છાએ ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો છે અને હું મારા દેશ ભારતથી પાકિસ્તાન આવી છું. મેં ૧૦ તોલા સોનાના દહેજના બદલામાં, શરિયા અનુસાર, સાક્ષીઓની હાજરીમાં નસરુલ્લા સાથે સ્વેચ્છાએ લગ્ન કર્યાં છે. મારું આ નિવેદન સાચું છે. આ બાબતમાં કશું છુપાયેલું નથી.
અંજુએ અરવિંદ સાથે પરણેલી છે અને બે સંતાનોની માતા છે. તેનો પુત્ર ૧૩ વર્ષનો અને દીકરી સાત વર્ષની છે. અંજુએ પતિથી છૂટાછેડા લીધા કે નહીં તેનો પણ ઉલ્લેખ નથી.