સારા પાડોશી મળવા ભાગ્યની વાત છે. જો પાડોશી જ સારા ન મળે તો હંમેશા તણાવ રહે છે. હાલ ઈઝરાયેલની પરિસ્થિતિ એવી જ છે. આમ જોવા જઈએ તો જનસંખ્યા અને ક્ષેત્રફળની દ્રષ્ટીએ આ ખુબ જ નાનો દેશ છે. પણ જો એની સેનાની વાત કરવામાં આવે તો તે ખુબ જ શક્તિશાળી દેશ છે. જેથી તે દરેક હુમલાનો સારી રીતે સામનો કરી શકે છે.
દેશ નાનો પણ, તેની સેના ટકવું છે મુશ્કેલ
હાલ ઈઝરાયેલની વસ્તી લગભગ 98 લાખની આસપાસ છે. જેથી કહી શકાય કે તે ભારતના ઉતરાખંડ કરતા પણ ઓછી છે. ઉતરાખંડની વસ્તી 1.14 કરોડ છે. તેમજ વિસ્તારની દ્રષ્ટીએ ઇઝરાયેલ 22,145 સ્ક્વેર કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે જે આપના ઉત્તર ગુજરાત જેટલો જ વિસ્તાર ધરાવે છે. આટલો નાનો દેશ હોવા છતાં પણ તેની સેના અને હાઈટેક ટેકનોલોજીના કારણે એટલો શક્તિશાળી છે કોઈપણ દેશનું તેની સામે ટકવું મુશ્કેલ છે.
ઇઝરાયેલની ઈન્ટેલીજન્સ એજન્સી છે ગજબ
આજે ઇઝરાયેલની ઈન્ટેલીજન્સ એજન્સી મોસાદ વિશ્વની સૌથી શક્તિશાળી એજન્સીઓમાંની એક છે. જે ગમે ત્યાં કોઈપણ ઓપરેશન કરી શકે છે. આનું પરિણામ એ આવ્યું છે કે હવે ઇઝરાયેલની સેના હમાસ પર ઝડપી હુમલા કરી રહી છે.
ઇઝરાયેલ પહેલાથી છે તાકાતવાન
ઇઝરાયેલ ચારે બાજુથી દુશ્મન દેશોથી ઘેરાયેલો છે અને લગભગ બધા દેશ સાથે તેનો સંઘર્ષ થયેલો છે ત્યારે લગભગ બધ જ દેશોને હારનો સામનો કરવો પડ્યો છે. 1948માં ઈઝરાયેલની રચના સાથે, આઠ પડોશી દેશોએ મળીને તેના પર હુમલો કર્યો, પરંતુ ઈઝરાયેલની સેનાએ એકલાએ તે બધાને ભગાડી દીધા. એવું કહેવાય છે કે આઠ દેશોની સેનાઓ એકસાથે પણ ઈઝરાયેલ સામે ટકી શકી ન હતી
13 મુસ્લિમ દેશોથી ઘેરાયેલું છે ઇઝરાયેલ
ઇઝરાયેલ એક યહૂદી દેશ છે અને તેના તમામ પડોશી દેશો મુસ્લિમ જેમાં તેની મોટાભાગના પાડોશી દેશો સાથે દુશ્મની છે, આ દેશો કોઈપણ સમયે તેના પર હુમલો કરવા તૈયાર છે. ઈઝરાયેલ લગભગ 13 મુસ્લિમ દેશોથી ઘેરાયેલું છે. જેમાં ઇજિપ્ત, ઇરાક, અલ્જીરિયા, કુવૈત, સીરિયા, જોર્ડન, લેબેનોન, લિબિયા, મોરોક્કો, સાઉદી અરેબિયા, પેલેસ્ટાઇન, સુદાન અને ટ્યુનિશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો સંઘર્ષ ઘણો જુનો
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો તણાવ ઘણો જૂનો છે. ગાઝા પટ્ટી, લગભગ 23 લાખ પેલેસ્ટિનિયન નાગરિકોનું ઘર, હમાસ દ્વારા 2007 માં કબજે કરવામાં આવ્યું હતું. આના એક વર્ષ પહેલા હમાસ અહીં સંસદીય ચૂંટણી જીત્યા હતા.
2021માં પણ સર્જાઈ હતી તણાવની સ્થિતિ
વર્ષ 2021માં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે તણાવ વધી ગયો હતો. જે બાદ ઈજિપ્ત, કતાર અને UNની મધ્યસ્થીથી સ્થિતિ સામાન્ય થઈ હતી. બંને એ વાત પર સહમત થયા કે ગાઝામાં રહેતા લોકોને ઈઝરાયેલમાં કામ કરવાની છૂટ આપવામાં આવશે, બદલામાં હમાસે સરહદ પર શાંતિ જાળવી રાખવી પડશે.
યહૂદીઓની હત્યાના વિરોધમાં ઈઝરાયેલ ઉજવે છે હોલોકોસ્ટ ડે
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીની નાઝી સેનાએ લગભગ 60 લાખ યહૂદીઓની હત્યા કરી હતી. આના વિરોધમાં ઈઝરાયેલ દર વર્ષે 24 એપ્રિલે ‘હોલોકોસ્ટ ડે’ ઉજવે છે. બીજા વિશ્વ યુદ્ધ પછી જ યહૂદીઓ માટે એક નવો દેશ ઈઝરાયેલ બન્યો હતો. જે બાદ ઈઝરાયેલ ઘણા મુસ્લિમ દેશોનું નિશાન બન્યું હતું. સ્વ-બચાવ માટે, ઇઝરાયલે પોતાની તમામ તાકાત પોતાને મજબૂત કરવા માટે લગાવી દીધી હતી.
6 દિવસમાં ઈઝરાયેલે કર્યું કામ-તમામ
1967માં 8 દેશો સાથે યુદ્ધમાં માત્ર 6 જ દિવસમાં ઈઝરાયેલે જંગ જીતી લીધી હતી. એક રીપોર્ટ મુજબ 27 મે, 1967માં ઈજીપ્તના તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ નાસીરે ઘોષણા કરી હતી કે અરબના લોકો એ ઇઝરાયેલનો નાશ કરવાનો પ્લાન બનાવ્યો હતો. મે મહિનાના અંતમાં ઈજીપ્ત અને જોર્ડન વચ્ચે એક કરાર થયો હતો કે જો ઇઝરાયેલ દ્વારા આ બંનેમાંથી કોઈપણ એક દેશ પર પણ જો હુમલો કરવામાં આવે તો બીજો દેશ તેની સાથે ઉભો રહેશે. જૂનમાં ઇઝરાયેલ-ઈજીપ્ત સીમા પર યુદ્ધ શરુ થયું હતું અને અરબ દેશો સુધી પહોંચ્યું હતું.
એકસાથે 8 દેશોને ઈઝરાયેલ દ્વારા હરાવ્યામાં આવ્યા
ઇઝરાયેલ અને ઇજિપ્ત વચ્ચે લડાયેલા આ યુદ્ધમાં જોર્ડન, ઇજિપ્ત, ઇરાક, કુવૈત, સીરિયા, સાઉદી અરેબિયા, સુદાન અને અલ્જીરિયા ઇઝરાયલની વિરુદ્ધ અને ઇજિપ્તના સમર્થનમાં આવ્યા હતા. આ યુદ્ધને ‘જૂન યુદ્ધ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મુસ્લિમ દેશોએ ઈઝરાયેલ પર હુમલો કરવા માટે જોર્ડનમાં પોતાનું સૈન્ય મથક બનાવ્યું હતું. હુમલાનો સંપૂર્ણ પ્લાન તૈયાર હતો. પરંતુ તે પહેલા જ 5 જૂને ઈઝરાયેલની એરફોર્સે લગભગ 400 ઈજિપ્તના ફાઈટર જેટ પર હુમલો કરીને તેને તોડી નાખ્યા હતા. જેના કારણે દુશ્મન દેશો ગભરાઈ ગયા અને માત્ર 6 દિવસમાં જ યુદ્ધ સમાપ્ત થઈ ગયું. જેમાં એક રીતે લગભગ 8 દેશોને ઈઝરાયેલ દ્વારા હરાવ્યામાં આવ્યા હતા. આ યુદ્ધ 1967માં 5 થી 10 જૂન વચ્ચે થયું હતું.
ઇઝરાયેલ છે પ્લાન બનાવવામાં શ્રેષ્ઠ
ઇઝરાયેલ જીત મેળવવા માટે પહેલા જ હુમલો કરવામાં માને છે. આ જ કારણથી ઈઝરાયેલે જોર્ડનના આર્મી બેઝ પર હુમલો કર્યો હતો. તેમજ જમીન પર થઇ લડાઈમાં પણ ઈઝરાયેલે જોર્ડનને હરાવ્યું હતું. ઉપરાંત ગાઝા પટ્ટી પણ પોતાના કબજે કરી હતી.
આ ઉપરાંત હાલ ઈઝરાયેલે હમાસને મોટો ઝટકો આપ્યો છે. સોશિયલ મીડિયા પર હમાસના આર્થિક બેઝ તરીકે જાણીતી ઇસ્લામિક નેશનલ બેંકને ધ્વસ્ત કરવામાં આવી હતી. હમાસ દ્વારા સંચાલિત આ બેંકના માધ્યમથી આ ઓપરેશનને મેનેજ કરવામાં આવ્યો હતો. હમાસ દ્વારા આ બેન્કની સ્થાપના 1997માં 20 મિલિયન ડોલર સાથે પેલેસ્ટાઇન ક્ષેત્રમાં કરવામાં આવી હતી.