ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ તીવ્ર બની રહ્યું છે. યુદ્ધના ૧૨મા દિવસે ભારત સ્થિત ઇઝરાયલી રાજદૂત નાઓર ગિલાને કહ્યું હતું કે, ‘હમાસ દ્વારા અપહ્યત કરાયેલા ૨૦૦ જેટલા ઇઝરાયલી અને વિદેશી નાગરિકોને મુક્ત કરવામાં ભારત સહાયભૂત થઈ શકશે. કારણ કે ભારતનું અને પી.એમ. નરેન્દ્ર મોદીનું વિશ્વમાં વિશિષ્ટ સ્થાન છે.
તે સર્વવિદિત છે કે હમાસે કરેલા હુમલામાં ૧૪૦૦થી વધુ ઇઝરાયલી નાગરિકોના જાન ગયા છે. વડાપ્રધાન મોદીએ બેન્જામિન નેતાન્યાહુ સાથે, ફોન ઉપર વાતચીત કરતાં ઇઝરાયલની આ કઠોર ઘડીમાં ભારતનો ટેકો દર્શાવ્યો હતો.
પત્રકારો સાથેની વાતચીતમાં, ગિલોને કહ્યું હતું કે, જો વૈશ્વિક સત્તાઓ હમાસ ઉપર તે અપહ્યતોને મુક્ત કરવા સમજાવી શકે અને તે માટે ભારત વૈશ્વિક સત્તાઓને સમજાવી શકે તો તેને અમે આવકારીએ છીએ.
ગિલોને વધુમાં કહ્યું હતું કે, વાસ્તવમાં હમાસના કમાન્ડર્સ તો ઇસ્તંબુલ અને કતારમાં એશારામથી રહે છે. અમે જાણીએ છીએ કે ભારતનું વિશ્વમાં વિશિષ્ટ સ્થાન છે. નિર્દોષ લોકોને છોડી મુકવા અનેક દેશો હમાસ ઉપર દબાણ લાવી રહ્યા છે. ભારત પોતાની વગ વાપરી, તેઓને સમજાવી પણ શકે તેમ છે. ભારતનાં આ પગલાંને અમે આવકારીશું.
દરમિયાન અમેરિકી પ્રમુખ બાયડેનની સમજાવટ પછી ઇઝરાયલ ગાઝામાં અનિવાર્ય તેવી માનવીય સહાય જવા દેવા સહમત થયું હતું. આ માટે બાયડેને ઇઝરાયલી નેતાઓ સાથે રૂબરૂમાં વાત કરી હતી. જયારે ઈજીપ્તના પ્રમુખ સીસી સાથે ફોન ઉપર વાત કરી હતી. તેથી સીસી મર્યાદિત સંખ્યામાં રફાહ ક્રોસિંગ પરથી ટ્રકો જવા દેવા સહમત પણ થયા હતા.
ગાઝામાં દવાઓની પણ તંગી પડી રહી છે તેથી ઈજીપ્ત તેના ટર્કોમાં દવાઓ મોકલી શકે તેમ સુવિધા કરવા ઇઝરાયલ સહમત થયું છે.