૨૦૦૭માં ગાઝાપટ્ટી ઉપર હમાસે કબ્જો જમાવ્યા પછી ઈઝરાયલ અને ઈજીપ્તે તેની ઉપર વિવિધ પ્રતિબંધો મુક્યા છે. ઈજીપ્તના સંરક્ષણ મંત્રીએ ગાઝાપટ્ટી ઉપર સંપૂર્ણ ઘેરાબંધી કરવા હુકમ કર્યો છે અને વીજળી, અન્ન તથા જળ પૂરવઠો કાપી નાખવા આદેશ આપ્યો છે.
બીજી તરફ ઈઝરાયલના વિવિધ વિસ્તારોમાં ઘમાસણ યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલની દુર્ધર્ષતાને પડકારતા હોય, તે રીતે હમાસ આતંકવાદીઓએ અચાનક હુમલો કરી ૭૦૦ ઈઝરાયલીઓની હત્યા કરી છે. ડઝનબંધ ઈઝરાયલીઓનાં અપહરણ કર્યાં છે. ઈઝરાયલની દુર્ધર્ષતાના ચીથરાં ઉડાડી દીધાં છે. જ્યારે ઈઝરાયલે પ્રચંડ બોમ્બવર્ષા કરતાં ઓછામાં ઓછા ૫૦૦ પેલેસ્ટાઇની માર્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે.
આ સાથે માહીતગાર વર્તુળો જણાવે છે કે, બે દાયકા પહેલાં આપી દેવી પડેલી ભૂમિ પાછી મેળવવા ઈઝરાયલ અભૂતપૂર્વ ભૂમિદળ હુમલાની તૈયારીઓ કરી રહ્યું છે.
ઈઝરાયલી સેનાના પ્રવકતાએ જણાવ્યું હતું કે ‘અમે હવે સંચાર વ્યવસ્થા પૂરી સ્થાપી દીધી છે, અને જે પ્રદેશો ગુમાવ્યા હતા, તે પાછા મેળવી રહ્યાં છીએ છતાં હજી થોડા પેલેસ્ટાઇની બંદૂકધારીઓ સક્રિય છે.’
રીચર એડમિરલ ડેનિયલ હેગારીએ કહ્યું હતું કે, અમે દરેક વિસ્તારની તપાસ કરી રહ્યા છીએ, અને તેમાં ‘સાફ-સૂફી’ થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્સવ માણી રહેલા સેંકડો ઈઝરાયલીઓના મૃતદેહો (હમાસના હુમલા પછી) ઉત્સવ સ્થળની બહાર માર્ગ ઉપર પડેલા જોવા મળતા હતા, તેમજ કેટલાયે ઈઝરાયલીઓને તેમનાં ઘરોમાંથી ખેંચી કાઢી અપહૃત કરાયા હતા. જેમાં મોટા ભાગની તો યુવતીઓ જ હતી.
ઈઝરાયલી સેનાના મુખ્ય પ્રવકતા રીચર એડમિરલ ડેનિયલ હેગારીએ કહ્યું હતું કે ૩ લાખ રિઝર્વિસ્ટ છેલ્લા બે દિવસમાં બોલાવી લેવામાં આવ્યા છે. અમે હજી સુધીમાં આટલા બધા રીઝર્વિસ્ટને બોલાવ્યા નથી. અમે હવે હુમલાની તૈયારીઓ કરી રહ્યાં છીએ.
હમાસે કહ્યું હતું કે ૧૬ વર્ષથી અમારી ઉપર ઓછો-વત્તો ઘેરો ચાલી જ રહ્યો છે. તાજેતરમાં (જોર્ડન નદીના) પશ્ચિમ કાંઠા ઉપર કરેલો ઈઝરાયલી હુમલો અસામાન્ય, ઘાતક હતો. વાસ્તવમાં અત્યંત જમણેરી તેવી વર્તમાન ઈઝરાયલી સરકાર પેલેસ્ટાઇની ભૂમિ પણ પાછી લઈ લેવા માગે છે.
આમ છતાં હમાસ આતંકીઓ ગાઝામાંથી ઈઝરાયલમાં ઘૂસી રહ્યા છે. તેમાં શનિવારથી હજી સુધીમાં બીરી વિસ્તારમાં ૭૦-૧૦૦ સૈનિકો માર્યા ગયા છે.
દરમિયાન ફાઇટર જેટસ, હેલિકોપ્ટર્સ અને આર્ટિલરીએ ૫૦૦ જેટલા હમાસ અને ઇસ્લામિક જેહાદીઓના ટાર્ગેટસ ઉપર ગાઝાપટ્ટીમાં હુમલા શરૂ કરી દીધા છે. ઓવરનાઇટ કરાયેલા આ હુમલામાં હમાસ અને ઇસ્લામિક કમાન્ડ સેન્ટર્સ તથા સીનીયર હમાસ અધિકારી રૂહી માશત્તાના નિવાસ સ્થાનને નિશાન બનાવી દીધા છે.
ઈઝરાયલના સંરક્ષણ મંત્રી યોયાવ ગેલન્ટે ઔફાકામ નગરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, ગાઝાપટ્ટીને તેની ભારે કિંમત ચુકવવી પડશે.