ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના (ISRO) ચેરમેન એસ સોમનાથ હાલ ગુજરાતના પ્રવાસે છે. ગુરૂવારે (28 સપ્ટેમ્બર, 2023) તેઓ વેરાવળ સ્થિત સોમનાથ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં ભગવાન મહાદેવની પૂજા-અર્ચના કરી હતી.
ISRO ચેરમેન ટ્રેન મારફતે વેરાવળ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા, અહીં ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખે તેમનું સ્વાગત કર્યું હતું. જ્યાંથી તેઓ સુપ્રસિદ્ધ અને અતિપવિત્ર સોમનાથ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મહાપૂજામાં ભાગ લીધો હતો. તેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે.
વીડિયોમાં ઈસરો ચેરમેન ભગવાનની પૂજા-આરતી કરતા જોવા મળે છે. તેમના કપાળે તિલક કરવામાં આવ્યું છે. પૂજા બાદ તેમને મંદિર ટ્રસ્ટ તરફથી ભગવાનનો ફોટો ભેટમાં આપવામાં આવે છે. આ દરમિયાન તેઓ પરંપરાગત ભારતીય પરિધાનમાં જોવા મળે છે.
#WATCH | ISRO Chief S Somnath offers prayers and does Puja at Shree Somnath temple in Gujarat
(Video Source: Somnath Temple Trust) pic.twitter.com/cVdC00YWd7
— ANI (@ANI) September 28, 2023
દર્શન બાદ તેમણે કહ્યું હતું કે, “આપણું સૌભાગ્ય છે કે ચંદ્રમા પર સોફ્ટ લેન્ડિંગ કરી શક્યા. આ થઈ શક્યું તેની પાછળ ભગવાન સોમનાથજીના આશીર્વાદ છે. તેમના આશીર્વાદ વગર તે શક્ય ન હતું. આજે હું શિવજીના આશીર્વાદ મેળવવા માટે આવ્યો છું અને હજુ પણ અનેક મિશનો પાર પાડવાનાં છે, તે માટે શક્તિ અને આશીર્વાદ આપે તેવી પ્રાર્થના કરી છે.” આ સિવાય તેમણે મહેમાનગતિ અને વ્યવસ્થા માટે સોમનાથ મંદિર ટ્રસ્ટનો પણ આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઇસરોએ ભારતનું મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-3 લૉન્ચ કર્યું હતું, જે મિશન સંપૂર્ણ સફળ રહ્યું છે. ત્યારબાદ થોડા જ દિવસોમાં મિશન આદિત્ય-L1 લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનનો ઉદ્દેશ્ય સૂર્યનો અભ્યાસ કરવાનો છે. ગત 2 સપ્ટેમ્બરના રોજ ઈસરોએ સ્પેસ ઓબ્ઝર્વેટરી આદિત્ય L1નું સફળતાપૂર્વક લૉન્ચિંગ કરીને સૂર્યઅભ્યાસ માટેના પ્રથમ મિશનનો શુભારંભ કર્યો હતો.
આ બંને મિશનના લૉન્ચિંગ પહેલાં અને પછી ઈસરો ચેરમેન એસ સોમનાથે અનેક મંદિરોના દર્શન કર્યાં અને મિશનની સફળતા માટે પ્રાર્થના કરી હતી. મિશન ચંદ્રયાનની સફળતા બાદ તેઓ આંધ્રપ્રદેશ સ્થિત મા ભદ્રકાળીના દરબારમાં પહોંચ્યા હતા અને પૂજા-અર્ચના કરી હતી. અહીં તેમણે કહ્યું હતું કે, તેઓ બહારની દુનિયાના સંશોધન માટે વિજ્ઞાનની મદદ લે છે પરંતુ આત્માની શુદ્ધિ માટે મંદિરે આવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ધર્મ અને વિજ્ઞાન બંને તેમના જીવનના અભિન્ન હિસ્સા છે.