પાકિસ્તાનને રણ અને દરિયા બંને માર્ગે અડીને આવેલા કચ્છના સરહદી ગામડાઓમાં પુર્વથી પશ્ચિમ સુધી હિન્દુ આબાદી ધીમે ધીમે ઘટી રહી છે. પૂર્વમાં રાપર તાલુકાનો પ્રાંથળ પ્રદેશ હોય કે પશ્ચિમ તરફ આવતા માર્ગે મધ્યમાં ખાવડા અને પછી નખત્રાણા-અબડાસા અને લખપત તાલુકો હોય. આજથી વસ્તીની તુલનાએ લગભગ 70થી 75 ટકા આબાદી સીમા સ્પર્શતા ગામડાઓથી અનેકવિધ કારણોસર ખસકીને ભુજ-ગાંધીધામમાં પથરાઇ છે તો આજ સ્થળાંતરીતો થકી એક અલાયદું આખું કચ્છ મુંબઇમાં ઉભું થઇ ગયું છે.
વારંવારના દુકાળ અને કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ, પાણી, આરોગ્યથી માંડીને માળખાગત સુવિધાઓ પુરી પાડવાની દિશામાં ઉદાસીન વલણ થકી છેવાડાના ગામડાઓ શહેરો ભણી સરકતા થયા. સૌથી વધુ પલાયન લખપત-અબડાસા તાલુકામાંથી થયું અને તેમાં પણ સૌથી ઉંચો આંક અને હાલ ઉપસ્થિતિની દ્રષ્ટિએ જોઇએ તો ભાનુશાલી અને જૈન સમાજ લગભગ સરકી ગયો છે જ્યારે કડવા પાટીદાર સમાજ સંઘર્ષરત છે અને સૌથી તળીયે બેઠેલો વંચિત વર્ગ હવે શોષણનો ભોગ બનતો ભાસે છે.
ભાનુશાળી સમાજની આગવી વ્યવસ્થા
વાપી-વલસાડ અને મુંબઇ સુધી ખસડી ગયેલા અબડાસા તાલુકાના ભાનુશાળી સમાજે દર નવરાત્રિએ વતનમાં અચૂક આવવું તેવો વણલખ્યો નિયમ રાખ્યો છે. અબડાસાના સરહદી ગામોમાં એક સમયે 50 હજારથી વધુની આબાદી હતી એ આજે સાતેક હજાર છે. તેઓ સમાજવાડી-પોતાના વડિલોપાર્જીત મકાનો સચવાય તે માટે ભારે ચિતિત છે અને તેથી જ દર વર્ષે ગામમાં કેટલા જણ કાયમ રહેશે ? કેટલા નવરાત્રિમાં જશે ? એ બધાની નોંધ રાખી આયોજન ઘડાય અને ફરાળ-ભોજનની નલિયા, મોથાળા, બાલાચોડ, જખૌ, તેરા, બિટ્ટા, વમોટી, છસરા, ઐંડા, જંગડિયા,ખોખરા, ભારાપર સહિતના ગામેગામ સામુહિક વ્યવસ્થા ગોઠવાય, આદ્યશક્તિની આરાધના થવી જ જોઇએ એ એક મુદ્દાનો કાર્યક્રમ હોવાથી દર વર્ષે ઓછામાં ઓછા 25થી 30 હજાર જણ નવરાત્રિ પુરતા ગામેગામ આવી જાય છે. તેઓ દર વર્ષે વસંત પંચમીના પણ કુળદેવીના પાટોત્સવ માટે આવે છે. દિવાળીએ વડીલો ઘરના ઉંબરે દિવા પ્રગટાવવા રોકાય છે.
કચ્છી દશા ઓસવાળ નામ પુરતા
સમગ્ર વિશ્વમાં કચ્છી દશા ઓસવાળ જૈનની આબાદી 30 હજાર રહી છે. એક સમયે અબડાસા જ્ઞાતિનું હેડક્વાર્ટર હતુ. અને અહીં 15 હજારની વસતી હતી. નલિયા, કોઠારા, તેરા,જખૌ, સાંધાણ, સુથરીમાં ભરચક વસતી હતી. ધર્મની દ્રષ્ટીએ પંચતિર્થ ગણાતા વાડાપદ્ધર, વાંકુ, લાલા, પરજાઉં, રાપર ગઢએ નાની પંચતિર્થ ગણાય આજે તાલુકામાં 350ની જ જૈની વસતી છે. તમામ સુવિધા ધરાવતી આ નાની-મોટી પંચતીર્થ ચાર્તુમાસ, પર્યુષણ ટાણે ગાજે છે. પછી વસતી ન હોવાથી શાંત ભાસે છે.
ખાવડામાંથી લોહાણાનું સ્થળાંતર
ભુજની ઉત્તરે બન્ની-પચ્છમ-પાશી અને પછી ખાવડા વિસ્તારમાં એક સમયે રઘુવંશી સમાજની એટલી મોટી આબાદી હતી કે આજે પણ કચ્છમાં ‘ખાવડાઇ’ લોહાણા અલગથી ઉલ્લેખ થાય. હવે ખાવડામાં બી.એ.પી.એસ. દ્વારા નગર ઉભું કરી દેવાતા થોડા પરિવારો વસે છે. બાકીના કચ્છ જ નહીં ગુજરાતભરમાં સ્થળાંતરીત થઇ ગયા. ‘મેસુક’ સાથે સંકળાયેલા બધા જ મિઠાઇવાળા ખાવડાથી ગયા છે. અંધૌ, રતડિયામાં આજે આશાપુરામાંનું મંદિર છે પણ ભક્તો નથી અને મંદિર બંધ છે. અંધૌ મંદિર સદંતર બંધ છે. રતડીયામાં અંજારથી આવીને એક ભાઇ સેવા પૂજા કરી જાય છે.
બેલામાંથી જૈનોનું પલાયન
સરહદી કચ્છના કરેલા ભ્રમણ બાદ મેળવેલી માહિતી ચોંકાવનારી છે. પૂર્વ કચ્છમાં તદ્દન સરહદને અડીને બેઠેલા પ્રાંથળના બેલા ગામેથી જૈન સમાજના તમામ ફિરકાઓ પ્રથમ રાપર, ભુજ અને હવે રાપરથી ગાંધીધામ-મુંબઇ કે અમદાવાદ સ્થળાંતરીત થઇ ગયા છે. 250થી વધુ હારબધ્ધ નાની મોટી દુકાનોથી શોભતી બેલાની બજારને હવે સન્નાટાએ ઘેરી લીધી છે. એક સમયે પાકિસ્તાન (સિંધ)થી ઉંટો પર લદાયેલો સામાન આ બજારમાં ઉતરતો. આજે જેન સમાજ બેલામાં નહિંવત છે પણ નાતો અખંડ છે. દર વર્ષે ચૈત્ર-કારતક માસમાં કુળદેવી- ખેતરપાળ, પિતૃસ્થળો પૂજનઅર્થે ગામ ગાજે છે. બેલા છોડી ગયેલા જૈનોની સંખ્યા જોઇએ તો 200થી વધુ પરિવાર હતા આજે એક પણ નથી, અહીં 225થી 250 લોહાણા વેપારીઓ હતા એ પણ આજે આંગળીના વેઢે ગણાય એટલા જ છે.
ભૂકંપ બાદ અનુ.જાતિનું પલાયન
અનેક વિડંબનાઓ થકી પચ્છમના ધોરાવરથી અનુ.જાતિના 40થી વધુ પરિવારોએ સામુહિક ઉચાળાભર્યા એને હજુ 20 વર્ષ માંડ થયા છે. આ લોકો પોતાની ખેતિની જમીનો છોડીને ભાગી છૂટ્યા અને આજે કુકમા પાસે સમુહમાં રહે છે. પરત જવાનું નામ સુધ્ધા લેતા નથી.