ઇસ્લામમાં મહિલાઓને મસ્જિદમાં નમાજ પઢવાની મંજૂરી નથી પરંતુ જમશેદપુરના કપાલી તાઝનગરમાં સ્થાનિક સમાજસેવક ડૉ. નૂરજમાં ખાન દેશની પ્રથમ મહિલા મસ્જિદ બનાવી રહ્યા છે, મસ્જિદની વિશેષતા એ છે કે એ ફક્ત મહિલાઓ માટે જ હશે. પુરુષોને પ્રવેશ નહીં મળે. સાથે જ ઇમામથી માંડીને દરવાન સહિતનું કામ મહિલાઓ જ સંભાળશે.
આ વર્ષના અંત સુધીમાં બનીને તૈયાર થનારી ‘સૈયદા જહરા બીબી ફાતિમા’ મસ્જિદ માટે દોઢ કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ છે. મસ્જિદમાં 500 મહિલા એકસાથે પાંચ સમયની નમાજ, સામૂહિક તરાવીહ અને ઇજિત્યા (સામૂહિક બેઠક) કરી શકશે. ડો. ખાને કહ્યું હતું કે ‘મહિલાઓ પુરુષો સાથે હજ કરવા જઈ શકે તો મસ્જિદ જવામાં શો વાંધો છે! આ મસ્જિદમાં મહિલાઓ કોઈ પણ પ્રતિબંધ વિના ધાર્મિક રીતરિવાજોનું પાલન કરશે. સાથે જ જીવનના નવા પરિમાણ શીખીને અંધશ્રદ્ધા દૂર કરશે. પોતાની અને મસ્જિદમાં આવનારી મહિલાઓની સુરક્ષા કરી શકે તે માટે મહિલા દરવાનોને ખાસ તાલીમ આપવામાં આવશે.’