ભારતમાં ૮થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી જી-૨૦ સમિટમાં ચીનના પ્રમુખ શિ જિનપિંગ આવશે નહીં. ચીનના વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે આ અંગેની જાહેરાત કરતા કહ્યું હતું કે ભારતના જી-૨૦ના નિમંત્રણમાં વડાપ્રધાન લી ક્વિંગના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળ ભારત જશે. જિનપિંગ ભારત નહીં આવે એવી અટકળો ચાલતી હતી તેને સમર્થન મળ્યું છે. જિનપિંગ જવાના નથી તે અંગેનું કોઈ કારણ વિદેશ મંત્રાલયે આપ્યું ન હતું. જી-૨૦ ઉપરાંત જિનપિંગ ઈન્ડોનેશિયામાં યોજાનારી આસિયન સમિટમાં પણ જવાના નથી. અમેરિકાના પ્રમુખ બાઈડેને આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે જિનપિંગ ભારત આવશે નહીં તે વાતથી હું નિરાશ થયો છું. મને આશા હતી કે ભારતમાં જિનપિંગ સાથે મુલાકાત થશે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે મીડિયા બ્રીફિંગ દરમિયાન કહ્યું હતુંઃ ભારત સરકારનું જી-૨૦માં હાજર રહેવાનું નિમંત્રણ મળ્યું હતું. એમાં હાજર રહેવા માટે દેશના વડાપ્રધાન લી ક્વિંગના નેતૃત્વમાં ૮થી ૧૦ સપ્ટેમ્બરે ચીનનું પ્રતિનિધિ મંડળ ભારતના પ્રવાસે જશે. પ્રમુખ જિનપિંગના બદલે વડાપ્રધાન હાજર રહેવાના છે તે અંગેનું કોઈ કારણ વિદેશ મંત્રાલયે રજૂ કર્યું ન હતું. એટલું જ નહીં, જી-૨૦ ઉપરાંત એ પહેલાં છઠ્ઠી અને સાતમી સપ્ટેમ્બરે ઈન્ડોનેશિયાના પાટનગર જકાર્તામાં યોજાનારી એસોસિએશન ઓફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ-આસિયાન સમિટમાં પણ જિનપિંગ હાજર રહેશે નહીં. ઈન્ડોનેશિયાનો પ્રવાસ પણ ચીનના વડાપ્રધાન લી ક્વિંગ જ કરશે. ચીનના વડાપ્રધાન લી ક્વિંગ પહેલાં જકાર્તા જશે અને ત્યાંથી ભારત આવશે.
ચીને ગયા સપ્તાહમાં વિવાદિત નકશો જાહેર કર્યો હતો અને એમાં અરૂણાચલના કેટલાક વિસ્તારો ચીનમાં ગણાવ્યા હતા. તે સિવાય ફિલિપાઈન્સ, મલેશિયા, વિએટનામ અને તાઈવાનની સરહદો પણ પોતાનામાં ગણાવી હતી. ભારતે તુરંત એનો વિરોધ કર્યો હતો. જી-૨૦ના ગણતરીના દિવસો બાકી હતા ત્યારે ચીને વિવાદિત નકશો જાહેર કર્યો ત્યારથી જ જિનપિંગ ભારતમાં જી-૨૦ સમિટમાં ગેરહાજર રહેશે એવી અટકળો વ્યક્ત થતી હતી. ભારત સાથે સરહદી વિવાદ ચાલતો હોવાથી જિનપિંગ અને પીએમ મોદી વચ્ચે ઘણાં સમયથી દ્વિપક્ષીય બેઠક યોજાઈ નથી.
એવા સમયે જી-૨૦ બેઠકમાં જિનપિંગ હાજર રહે તો સરહદે તંગદિલી ઘટવાની શક્યતા હતી, પરંતુ એ પહેલાં નકશાનો વિવાદ કરીને ચીનની સરકારે જિનપિંગ ન આવે એનું વાતાવરણ બનાવ્યું હતું. ચીનના વિદેશ મંત્રાલયે આખરે મીડિયા બ્રીફિંગમાં જી-૨૦માં જિનપિંગ આવશે નહીં તેની સત્તાવાર જાહેરાત કરી હતી.
આ જાહેરાત થયા બાદ અમેરિકાના પ્રમુખ જો બાઈડેનની પ્રતિક્રિયા આવી હતી. બાઈડેને નિવેદન આપ્યું હતુંઃ હું જી-૨૦ માટે ભારત જવા આતુર છું. પરંતુ મને જાણવા મળ્યું કે ચીનના પ્રમુખ જિનપિંગ હાજર રહેશે નહીં. એ વાતથી હું નિરાશ થયો છું. મને આશા હતી કે ભારતમાં જિનપિંગ સાથે મુલાકાત થશે. હું આશા રાખું છું કે ભારતમાં મારી મુલાકાત જિનપિંગ સાથે થશે.
રશિયન પ્રમુખ પુતિન અને જિનપિંગની ગેરહાજરીની જી-20માં અસર થશે
દુનિયાની જીડીપીમાં ૭૫ ટકા હિસ્સો જી-૨૦ દેશોનો છે. વિશ્વના મહત્ત્વના ૨૦ દેશો આ ગુ્રપમાં સામેલ છે અને તેનો આંતરિક વેપાર પણ અબજો ડોલરને પાર પહોંચે છે. ભારતમાં પ્રથમ વખત જી-૨૦નું આયોજન થઈ રહ્યું છે અને દુનિયાભરના શક્તિશાળી નેતાઓ ભારતના પ્રવાસે આવશે. આ સમિટમાં પુતિનના બદલે વિદેશ મંત્રી હાજર રહેવાના છે. હવે જિનપિંગ પણ ગેરહાજર રહેવાના હોવાથી જી-૨૦માં દ્વિપક્ષીય બેઠકોમાં તેની અસર પહોંચે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. બે વિટો પાવર ધરાવતા દેશોની ગેરહાજરીમાં મહત્ત્વના કરારો કે નિર્ણયોમાં એની અસર વર્તાય એવી સંભાવના વિદેશી મીડિયાએ વ્યક્ત કરી હતી. વિદેશનીતિના એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે આ જી-૨૦ પશ્વિમી દેશો સાથે ભારતની ભાગીદારીનું પ્રતીક બની રહેશે.