નવા ફોજદારી કાયદાનો અમલ થઈ ચૂક્યો છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, હવે તમામ કેસમાં FIRની નોંધણીના ત્રણ વર્ષમાં સુપ્રીમ કોર્ટના સ્તરે ચુકાદો આવશે. તેમણે સોમવારે કહ્યું હતું કે, નવા કાયદાને પગલે ૯૦ ટકા ફોજદારી કેસમાં આખરી ચુકાદો શક્ય હોવાથી ગુનાખોરીમાં ઘટાડાની આશા છે.
ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (બીએસએ) સોમવારથી લાગુ કરાયા છે. આ સાથે બ્રિટિશ યુગના ઇન્ડિયન પીનલ કોડ (આઇપીસી), કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર અને ઇન્ડિયન એવિડન્સ એક્ટનું સ્થાન નવા ત્રણ કાયદા લેશે. શાહે જણાવ્યું હતું કે, “એફઆઇઆરની નોંધણીથી ત્રણ વર્ષના ગાળામાં સુપ્રીમ કોર્ટના સ્તરે ન્યાય મેળવવાનું શક્ય બનશે. ત્રણ ફોજદારી કાયદાના અમલ સાથે ભારત પાસે વિશ્વની સૌથી આધુનિક ન્યાય વ્યવસ્થા હશે.” તેમણે કહ્યું હતું કે, “નવા કાયદામાં ઝીરો એફઆઇઆર, પોલીસ ફરિયાદની ઓનલાઇન નોંધણી, એસએમએસ અને તમામ ગંભીર ગુનાઓમાં ક્રાઇમ સીનની ફરજિયાત વીડિયોગ્રાફી જેવી બાબતોનો સમાવેશ કરાયો છે.”
ગૃહમંત્રી શાહે જણાવ્યું હતું કે, “નવા કાયદા હેઠળ પહેલો મોટરસાઇકલની ચોરીનો કેસ મધ્યપ્રદેશના ગ્લાલિયરમાં રાતે ૧૨:૧૦ કલાકે નોંધાયો હતો.” શાહે જણાવ્યું હતું કે, “નવો કાયદો ન્યાયને પ્રધાન્ય આપશે. અગાઉના બ્રિટિશ યુગના કાયદામાં દંડને મહત્વ અપાતું હતું. ઉપરાંત, હવે ન્યાયતંત્રની પ્રક્રિયા નિર્ધારિત સમયમાં પૂરી થશે. નવા કાયદામાં ન્યાયિક વ્યવસ્થા માટે સમયમર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે.” નવા કાયદામાં પોલીસ સ્ટેશનની રૂબરુ મુલાકાત વગર વ્યક્તિ ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશનથી ઘટનાની માહિતી પહોંચાડી શકશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ખોટા વચન આપીને કરાયેલા લગ્ન, સગીરનો ગેંગ રેપ, મોબ લિંચિંગ અને ચેઇન સ્નેચિંગ સહિતના ગુનામાં ઇન્ડિયન પીનલ કોડમાં ચોક્કસ જોગવાઈ ન હતી. નવા કાયદામાં બીએનએસ હેઠળ તેનો સમાવેશ કરાયો છે.