કપડવંજ તાલુકાના સાલોડ ગામના 57 વર્ષીય વિધવાને પુત્રના લગ્ન કરાવી આપવાના બહાને છેતરપીંડીં કરી રૂ ૧.૩૫ લાખ લઈ ભાગી જનાર ગેંગને કપડવંજ ટાઉન પોલીસે ઝડપી પ્રશંસનીય કામગીરી કરી હતી.
બનાવની વિગત જોઈએ તો સાલોડના વિધવાએ એક માસ પહેલા અંબાજી મુકામે માનતા (બાધા) કરવા જવાનું હોય કપડવંજ આવીને ઇકો ગાડી ભાડે કરેલ હતી. તે વખતે ગેંગના સભ્ય આરોપી જીતેન્દ્રભાઈ પટેલની ઇકો ગાડી ભાડે મળેલ હતી. જેમાં ફરીયાદી તેઓના દિકરાની સાથે અંબાજી મુકામે ગયેલ હતાં.તે દરમ્યાન આરોપીને ફરીયાદીના દિકરાના લગ્ન બાકી હોવાની જાણ થતા આરોપીએ ફરીયાદીને છેતરવાના બદઇરાદાથી વિધવાને વિશ્વાસમાં લીધા હતાં. આરોપીઓએ અગાઉ પણ આવી રીતે ઘણા લોકોની સાથે છેતરપીંડી કરેલ હોય અને તેના સાગરીતો ભરૂચ મુકામે રહેતા હોય ત્યાંથી આરોપી કાજલબેન ઉર્ફે રેખાબેન તથા તેના મિત્ર કેતનભાઇ ડોબરીયા નામના ગેંગના સભ્યોને કપડવંજ મુકામે બોલાવીને ફરીયાદી તથા તેઓના દિકરાને ગેંગની સભ્ય કાજલબેનને કન્યા તરીકે બતાવીને લગ્ન કરાવી આપવાનું જણાવી વિશ્વાસમાં લીધા હતાં. વિધવા પોતાના દિકરાનો ઘર સંસાર બંધાય તે શુભ આશયથી પોતાની પાસે પૈસાની વ્યવસ્થા ન હોવાથી પોતાની બે વિઘા જમીન ગીરો મુકીને રૂ.૧,૩૫,૦૦૦/- ની રકમ લઈ આરોપીઓને આપેલ હતી અને આરોપીઓએ હોટલમાં જમવાનું બહાનુ બતાવી ફરીયાદી તથા તેઓના દિકરાને હોટલ આગળ ઉતારી પોતે લઈ આવેલ ઇકો ગાડીમાં ત્રણેય આરોપીઓ નાસી જઈ ફરીયાદી સાથે છેતરપીંડી કરેલ હતી. આ કામે ફરીયાદી ગરીબ વર્ગના હોય તેઓની સાથે બનેલ બનાવથી ખુબ જ નાજુક સ્થિતીમાં મુકાઈ ગયેલ હોય તેઓને સત્વરે ન્યાય મળી રહે તે માટે પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એસ.ચંપાવત તથા પોલીસ કર્મચારીઓની અલગ અલગ પોલીસ ટીમો બનાવીને આરોપીઓને શોધી કાઢવા કપડવંજ નગરમાં લગાવેલ સી.સી.ટી.વી કેમેરા ચેક કરી આરોપીઓએ ગુના સમયે વાપરેલ વાહનની સરકારશ્રીના વિવિધ પોર્ટલ પરથી માહિતી મેળવી આરોપીઓના મોબાઇલ નંબરો ટ્રેસ કરી ટેક્નીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી ગેંગના ત્રણેય સભ્યોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં. આરોપીઓની ઘનિષ્ઠ પુછપરછ કરતા તેઓની હાલની મોડેસ ઓપરેન્ડી મુજબ અપરણિત પુરૂષોને લગ્નની લાલચ આપી કન્યાના સગા સંબધીઓને મોટી રકમ આપવાની થશે તેવું જણાવી કન્યા બતાવી નક્કી કરેલ રકમ મેળવી લઈ સ્થળ ઉપરથી નાસી જઈ ગુનાને અંજામ આપવાની છે.
આમ, કપડવંજ ટાઉન પોલીસ ઈન્સ્પેક્ટર જનકસિંહ દેવડાની ટીમની સંતર્કતાને લીધે આ ગેંગ આવી મોડસ ઓપરેન્ડીથી અન્ય વધુ ગુનાઓને અંજામ આપે તે પુર્વે ઝડપી પાડી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરેલ છે. હાલમાં આરોપીઓની અટક કરી ગુનાના કામે કાર્યવાહી ચાલુ છે.
પકડાયેલ આરોપીઓમાં જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતુ ભીખાભાઈ પટેલ હાલ રહે.શિવાલીક સોસાયટી, ગાબટ રોડ મુ.તા.બાયડ જી.અરવલ્લી મુળ રહે.કોજાણ કંપા તા.બાયડ જી.અરવલ્લી, કેતનભાઈ ઉર્ફે વિજય જયસુખભાઇ ડોબરીયા (પટેલ) રહે.ફાચરીયા તા.ધારી જી.અમરેલી રેખાબેન ઉર્ફે કાજલબેન ડો/ઓ રમેશભાઈ વસાવા હાલ રહે.જલારામ ફળીયુ, ગામ-કાંતીપાડા તા.નેત્રંગ જી.ભરૂચને રોકડ રકમ રૂ.૧,૩૫,૦૦૦/- સાથે મારૂતિ સુઝુકી ઇકો ગાડી નં. GJ 31 R 6219 કિ.રૂ.૪,૦૦,૦૦૦/-, સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૫,૦૦૦/-, વીવો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/-,ઓપો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ. ૧૦,૦૦૦/- સાથે કુલ્લે .રૂ.૫,૭૦,૦૦૦/નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓએ અગાઉ કરેલ ગુનાની પણ કબુલાત કરી છે.
રિપોર્ટર -સુરેશ પારેખ(કપડવંજ )