રાજસ્થાન કોંગ્રેસમાં ખેંચતાણનો તબક્કો હજુ ખતમ થયો નથી. હાલમાં જ રાજસ્થાનમાં સચિન પાયલટે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. આ દરમિયાન, આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દિલ્હીમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ સાથે અલગ-અલગ બેઠક કરવા જઈ રહ્યા છે. પાર્ટીના એક નેતાએ આ અંગે માહિતી આપી હતી. મુખ્યમંત્રી કાર્યાલયે ગેહલોતનો કાર્યક્રમ પણ જાહેર કર્યો છે.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સીએમ ગેહલોતને જારી કરાયેલ કાર્યક્રમ પણ તેમની દિલ્હી મુલાકાતની પુષ્ટિ કરે છે. કોંગ્રેસની આ બેઠક સચિન પાયલોટના “અલ્ટિમેટમ” પછી થઈ રહી છે જેમાં તેણે કહ્યું હતું કે, જો આ મહિનાના અંત સુધીમાં રાજ્ય સરકાર પાસેથી તેમની ત્રણ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે. સચિન પાયલટની માંગ છે કે, અગાઉની વસુંધરા રાજે સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા કથિત કૌભાંડોની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ.
પાર્ટીના નેતાના જણાવ્યા અનુસાર, તમામ રાજ્યના નેતાઓ સાથે કોંગ્રેસના ટોચના નેતાઓની બેઠક 26 મેના રોજ યોજાવાની હતી, પરંતુ બાદમાં તેને મોકૂફ રાખવામાં આવી હતી. આ સાથે તેમણે કહ્યું કે આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા હાઈકમાન્ડ ગેહલોત અને પાયલોટને એક મંચ પર લાવવા માટે અલગ-અલગ મળશે. નેતાએ કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારને સાથે લાવવામાં સફળ રહ્યા. આવી સ્થિતિમાં પાર્ટી હવે આ જ ફોર્મ્યુલા રાજસ્થાનમાં પણ અપનાવવા માંગે છે.