જી-૨૦ સંમેલનના ઘોષણાપત્રમાં ભારતે આતંકવાદ અને ઉગ્રવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. જ્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની સાથે નરેન્દ્ર મોદીએ મુલાકાત પણ કરી હતી. જે દરમિયાન બન્ને વચ્ચે ખાલિસ્તાનીઓનો મામલો પણ ચર્ચામાં રહ્યો. જસ્ટિન ટ્રૂડોએ ખાતરી આપી કે કેનેડામાં ખાલિસ્તાનીઓનો ઉગ્રવાદ નહીં ચલાવીએ. જ્યારે બીજી તરફ કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો સક્રિય થઇ ગયા છે અને જનમત સંગ્રહનું કાવતરુ ઘડી રહ્યા છે.
ખાલિસ્તાન સમર્થક પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસે બ્રિટિશ કોલંબિયા સ્થિત ગુરૂદ્વારામાં તથાકથિત જનમત સંગ્રહ કરાવ્યો હતો. સૂરી શહેરના ગુરૂ નાનક ગુરૂદ્વારાને વોટિંગ સેન્ટર બનાવી નાખ્યું છે. આ ગુરુદ્વારા પર શીખ ફોર જસ્ટિસના મુખ્ય ચહેરા હરદીપસિંહ નિજ્જર કબજો કરી બેઠા હતા. ૧૮મી જૂનના રોજ અજાણ્યા લોકોએ તેની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. જે બાદથી ખાલિસ્તાન સમર્થકો આ હત્યાનો આરોપ ભારત પર લગાવવા લાગ્યા છે અને થોડા દિવસ પહેલા તેને લઇને કેનેડાના એક મંદિરમાં પોસ્ટરો પણ લગાવ્યા હતા.
કેનેડાના વડાપ્રધાન ભારતમાં આવીને ખાલિસ્તાનીઓ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી રહ્યા છે જ્યારે બીજી તરફ કેનેડામાં જ ખાલિસ્તાનીઓ હવે જનમત સંગ્રહનું નાટક કરવા જઇ રહ્યા છે. ૨૯મી ઓક્ટોબરના રોજ ખાલિસ્તાનીઓ દ્વારા આગામી રાઉન્ડનું જનમત સંગ્રહ કરાવવાની જાહેરાત કરવામાં આવી છે. જનમત સંગ્રહ માટે એક સ્કૂલને પસંદ કરવામાં આવી છે. જોકે સ્થાનિક પ્રશાસને આ માટે મંજૂરી નથી આપી અને દાવો કર્યો હતો કે રેંટલ એગ્રીમેંટનું ઉલ્લંઘન કરાયું છે. ખાલિસ્તાન સમર્થકોએ પ્રચાર માટે જે તસવીરો લગાવી હતી તેમાં હથિયારોને પણ દેખાડવામાં આવ્યા હતા. બીજી તરફ ભારત આવેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિનનું વિમાન ખોટવાયું છે. જેથી તેઓ વધુ એક દિવસ ભારતમાં રોકાશે. જ્યા સુધી તેમના વિમાનની ટેક્નીકલ ખામી દૂર કરવામાં ન આવે ત્યાં સુધી બધો જ સ્ટાફ ભારતમાં રોકાશે.