ICC વનડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. આ વખતે વર્લ્ડ કપ ભારતની યજમાનીમાં રમાશે. આ ઉપરાંત આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો હવે 15 ઓક્ટોબરને બદલે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે. વર્ષ 1992થી ICC ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણી મેચ થઇ છે પરંતુ હાલમાં બંને ટીમના બે સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી અને બાબર આઝમ ICC ટૂર્નામેન્ટમાં 5 વખત સામસામે આવી ચુક્યા છે. રસપ્રદ વાત એ છે કે આ 5 ICC ટૂર્નામેન્ટમાં જ્યારે પણ આ બેમાંથી કોઈ એક ખેલાડીએ વધુ રન બનાવ્યા છે તેની ટીમ તે મેચ જીતી છે.
વિરાટ કોહલી- બાબર આઝમ ICC ટુર્નામેન્ટમાં 5 વખત સામસામે આવ્યા
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી દિગ્ગજ ખેલાડીઓમાંનો એક છે. તે ભારત માટે ઘણી ICC ટુર્નામેન્ટ રમી ચુક્યો છે. તેની પાસે આ ટુર્નામેન્ટનો સારો અનુભવ છે. જ્યારે બાબર આઝમ પાસે કોહલી જેટલો અનુભવ નથી, પરંતુ તેમ છતાં આ બંને ખેલાડીઓ ICC ટૂર્નામેન્ટમાં 5 વખત સામસામે આવી ચૂક્યા છે. તે પાંચમાંથી 2 વખત પાકિસ્તાન જીત્યું છે, જ્યારે ભારત 3 વખત જીત્યું છે. આમાં ખાસ વાત એ છે કે પાકિસ્તાનની જીતના બંને પ્રસંગે બાબરે કોહલી કરતા વધુ રન બનાવ્યા હતા. આ ઉપરાંત ભારત જે 3 મેચમાં જીત્યું તેમાં કોહલીએ બાબર કરતા વધુ રન બનાવ્યા છે.
ICC ટુર્નામેન્ટમાં વિરાટ કોહલી અને બાબર આઝમનો આમનો સામનો
- ચેમ્પિયન્સ ટ્રોફી 2017 (ગ્રુપ સ્ટેજ)- બાબર આઝમ 8 રન, વિરાટ કોહલી 81 રન (ભારત જીત્યું)
- ચેમ્પિયન્સ ટ્રોફી 2017 (ફાઇનલ) – બાબર આઝમ 46, વિરાટ કોહલી 5 (પાકિસ્તાન જીત્યું)
- ODI વર્લ્ડ કપ 2019 – બાબર આઝમ 48, વિરાટ કોહલી 77 (ભારત જીત્યું)
- T20 વર્લ્ડ કપ 2021 – બાબર આઝમ 68 રન, વિરાટ કોહલી 57 રન (પાકિસ્તાન જીત્યું)
- T20 વર્લ્ડ કપ 2022 – બાબર આઝમ 0 રન, વિરાટ કોહલી 82 રન (ભારત જીત્યું)