દિલ્હીમાં નવા સંસદ ભવનની જેમ જ હવે ઉત્તરપ્રદેશ માં પણ નવી વિધાનસભા બનાવવાનો નિર્ણય લેવાયો છે. માહિતી અનુસાર પૂર્વ પીએમ અટલ બિહારી વાજપાયીની જયંતિ પર નવા વિધાનસભા ભવન ની આધારશિલા મૂકાઈ શકે છે. તેના નિર્માણ કાર્ય માટે આશરે 3000 કરોડનો ખર્ચો કરાશે.
માહિતી અનુસાર આ વિધાનસભાના નવા ભવનનું નિર્માણ નિરામન દારુલશફા અને આજુબાજુના ક્ષેત્રોને મિલાવીને કરાશે. યોગી સરકાર રાજધાની લખનઉમાં નવી વિધાનસભા બનાવશે. આ વર્ષના અંતે ડિસેમ્બર મહિનામાં જ નવી વિધાનસભાનો પાયો નખાઈ શકે છે અને 2027 સુધી નિર્માણકાર્ય પૂરું કરવાનું લક્ષ્ય રખાયું છે. સરકાર 25 ડિસેમ્બર 2023ના રોજ અટલ બિહારી વાજપાયીના જન્મદિવસે પીએમ મોદીના હસ્તે તેનો શિલાન્યાસ કરાવવા માગે છે.
વર્તમાન ઈમારત 100 વર્ષ જૂની થઈ
ખરેખર તો વર્તમાન વિધાનસભાની ઈમારત 100 વર્ષ જૂની થઈ ચૂકી છે. તે લખનઉના હજરતગંજમાં આવેલી છે. જ્યારે વિધાનસભાની કાર્યવાહી ચાલે છે તો અનેક જગ્યાએ ટ્રાફિક સમસ્યા પણ સર્જાય છે. ભવિષ્યમાં સભ્યોની સંખ્યા અને અન્ય જરૂરિયાતને ધ્યાનમાં રાખી નવી વિધાનસભા જરૂરી બની ગઈ હોવાના દાવા કરાઈ રહ્યા છે. ભવિષ્યમાં સીમાંકનને જોતા વર્તમાન વિધાનસભા ઘણી નાની પડશે. વર્તમાન વિધાનસભાનું ઉદઘાટન 1928માં થયું હતું.