આપણાં સૌના માટે ગૌરવ રૂપ પ્રાણી સાવજ પ્રત્યે સંવેદના હેતુ સિંહ દિવસ ઉજવણી સંદર્ભે સાસણ ગીરમાં યોજાયેલ કાર્યશાળામાં નાયબ વન સંરક્ષક મોહન રામે સિંહ દિવસ પ્રસંગ આંકડાકીય વિક્રમ માટે નહિ પરંતુ લાગણીનો પ્રસંગ હોવાનું જણાવ્યું. આ ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દૂરસંપર્ક પ્રણાલી સાથે જોડાનાર છે.
આગામી શનિવાર ૧૦ ઓગષ્ટ સિંહ દિવસ ઉજવણી માટે ગીર અને આસપાસનાં ૧૧ જિલ્લામાં વન અને શિક્ષણ વિભાગ સાથે પર્યાવરણ સંસ્થાઓ તથા કાર્યકર્તાઓનાં સંકલન સાથે તૈયારીઓ થઈ છે, આ માટે રવિવારે સિંહ સદન સાસણમાં કાર્યશાળા યોજાઈ ગઈ.
કાર્યશાળામાં નાયબ વન સંરક્ષક મોહન રામે ગીર તથા સૌરાષ્ટ્ર તેમજ અન્ય વિસ્તારોમાં સિંહની ગતિવિધિ વિશે આંકડાકીય જાણકારી આપી. તેઓએ સાવજ પ્રત્યેનાં આપણાં લગાવનો ઉલ્લેખ કરી સિંહ દિવસ ઉજવણીમાં સૌની કામગીરી પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો. ઉલ્લેખનીય છે કે આ ઉજવણી સંદર્ભે વિવિધ વિક્રમ નોંધાયા છે. સિંહ દિવસ પ્રસંગ આંકડાકીય વિક્રમ માટે નહિ પરંતુ લાગણીનો પ્રસંગ હોવાનું ભાર પૂર્વક જણાવ્યું. આ ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દૂરસંપર્ક પ્રણાલી સાથે જોડાનાર છે.
કાર્યશાળામાં શિક્ષણ અને વન વિભાગનાં અધિકારીઓ કર્મચારીઓ તથા સંસ્થાઓનાં પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં અશોકભાઈ પટેલ, હર્ષવર્ધનસિંહ જાડેજા તથા હિરેનભાઈ ભટ્ટ દ્વારા પ્રાસંગિક માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ. અહીંયા દીક્ષિતભાઈ પટેલ, લતાબેન ઉપાધ્યાય, મનસુખભાઈ બોરિચા તથા નીલેશભાઈ નાથાણી જોડાયા હતાં.
આ પ્રસંગે ઉદયભાઈ દેસાઈ દ્વારા કાર્યક્રમ સંચાલન સાથે વન વિભાગનાં કપિલભાઈ ભાટિયાએ શબ્દોથી સૌને આવકાર આપેલ. પ્રારંભે મહાનુભાવોનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું.
સાસણ ગીરમાં આ કાર્યશાળામાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા, મોરબી તથા જામનગર એમ ૧૧ જિલ્લાનાં સંયોજક અને સહ સંયોજક સાથે શિક્ષકો અને પ્રતિનિધિઓ સામેલ થયેલ.
કાર્યશાળા અને ઉજવણી આયોજનમાં કરશનભાઈ વાળા સાથે ભીખુભાઈ રાઠોડ તથા નિખિલભાઈ નિમ્બાર્ક અને સિંહ સદન પરિવાર રહેલ.