ધનાબાપા જગ્યા ધોળામાં યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ વિરામ પ્રસંગે વ્યાસપીઠ પરથી ભાર્ગવદાદાએ કહ્યું કે, ભાગવત શાસ્ત્ર શ્રવણ કરવાથી આપણને વિવિધ ફળ પ્રાપ્ત થાય છે. અહી કથા વિરામ સાથે રક્તદાન શિબિર યોજાઈ હતી.
ગોહિલવાડનાં ઐતિહાસિક તીર્થધામ ધનાબાપા જગ્યા ધોળામાં ધનાબાપા સમસ્ત સેવક સમુદાયનાં આયોજન દ્વારા શુક્રવાર તા.૧૦થી શુક્રવાર તા.૧૭ દરમિયાન શ્રીમદ્ ભાગવત સપ્તાહનો ભાવિક શ્રોતાઓએ લાભ લીધો. કથા વિરામ પ્રસંગે વ્યાસપીઠ પરથી ભાર્ગવદાદાએ પ્રસંગો અને સમાપન મહાત્મ્ય કરતાં કહ્યું કે, ભાગવત શાસ્ત્ર શ્રવણ કરવાથી આપણને વિવિધ ફળ પ્રાપ્ત થાય છે.
મહંત બાબુરામ ભગત અને જગ્યાનાં સેવકોનાં સંકલનથી સર્વજીવ કલ્યાણ તથા પિતૃ મોક્ષાર્થે શાસ્ત્રી ભાર્ગવદાદાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ આયોજનમાં યજમાન તરીકે સુરાપુરા વસ્તાબાપા મંદિર ગઢડા, સુરાપૂરા જસ્મતબાપા તથા સુરાપુરા બેચરબાપા ઝરખિયા, સુરાપુરા લાલાબાપા લીમડા પચ્છેગામ અને લીલાપુર પરિવાર રહ્યા, જેમાં સંતો, ધાર્મિક સામાજિક અગ્રણીઓ અને યજમાન પરિવાર દ્વારા લાભ લેવાયો. મોરારિબાપુ દ્વારા આ કથા પ્રસંગે પ્રસન્નતાનો સંદેશો પાઠવ્યો હતો.
કથા વિરામ સાથે રક્તદાન શિબિર યોજાઈ હતી. કથા દરમિયાન કીડિયારું પૂરવા સાથે ગાયોને નીરણ આપવામાં આવી, જેમાં દાતાઓનો સહયોગ રહ્યો. દરરોજ સંતવાણી, ભક્તિ વંદના, રાસ ગરબા, સંતોનાં ઉદ્બોધન સાથે મહાપ્રસાદ લાભ મળ્યો.
સર્વજીવ કલ્યાણ તથા પિતૃ મોક્ષાર્થે યોજાયેલ આ કથા વિરામ પછીનાં દિવસે સમુદ્ર કિનારે નિષ્કલંક મહાદેવનાં સાનિધ્યમાં પિતૃ વિધિ આયોજન પણ રાખવામાં આવ્યું, જેનો લાભ ઘણાં પરિવારોએ લીધો.
રીપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)