બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ચૂંટણી પહેલા મોટી જાહેરાત કરી છે. ઋષિ સુનકે કહ્યું કે, જો કન્ઝર્વેટિવ પાર્ટી 4 જુલાઈના રોજ આગામી સામાન્ય ચૂંટણી જીતશે તો અમે યુવાઓ માટે અનિવાર્ય સૈન્ય સેવા (Military recruitment) અથવા વૈકલ્પિક સેવા શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.
18 વર્ષના તમામ યુવા આ અપનાવશે
સુનકે એક અખબાર માટે લખેલા આર્ટિકલમાં જણાવ્યું કે, તમામ 18 વર્ષીય યુવા આ નવી રાષ્ટ્રીય સેવાને અપનાવશે, ભલે તેમની પૃષ્ઠભૂમિ કંઈ પણ હોય અને તેઓ બ્રિટનમાં ગમે ત્યાં રહેતા હોય. તેમણે કહ્યું કે, યુવાઓ પાસે બ્રિટિશ સશસ્ત્ર દળોમાં એક વર્ષ માટે પૂર્ણકાલિક સૈન્ય સેવા અને 25 દિવસ માટે બચાવ સેવા અને અન્ય સરંચનાઓમાં સ્વયંસેવા તરીકે વૈકલ્પિક સેવા પસંદ કરવાનો વિકલ્પ રહેશે.
મુશ્કેલ પ્રવેશ પરીક્ષાઓ પાસ કરનારાઓની જ ભરતી કરવામાં આવશે
તેમણે કહ્યું કે, જે લોકો ફરિયાદ કરે છે કે તેને ફરજિયાત બનાવવું અયોગ્ય છે તો હું કહેવા માંગુ છું કે નાગરિકતા અધિકારો સાથે-સાથે જવાબદારીઓ પણ લાવે છે. સુનકે કહ્યું કે, આ અમારી નવી રાષ્ટ્રીય સેવા ભરતી નીતિ નથી. માત્ર મુશ્કેલ પ્રવેશ પરીક્ષા પાસ કરનારાઓની જ સશસ્ત્ર દળોમાં ભરતી કરવામાં આવશે.
ચૂંટણી પહેલા 78 સાંસદોએ છોડ્યો સાથ
બ્રિટનમાં સુનકના કેબિનેટ મંત્રી માઈકલ ગોવ અને એન્ડ્રિયા લેડસમ બીજી વખત ચૂંટણી ન લડવાના પોતાના નિર્ણયની જાહેરાત કરનારા નવીનતમ કન્ઝર્વેટિવ પાર્ટીના સદસ્ય બની ગયા છે. ચૂંટણી રેસ છોડનારા પાર્ટીના સદસ્યોની સંખ્યા હવે 78 થઈ ગઈ છે.