પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ધારાસભ્ય મદન મિત્રાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે વિવાદ ઉભો થયો છે. આ વીડિયોમાં મદન મિત્રા કહેતા સંભળાય છે કે “ભગવાન રામ મુસ્લિમ હતા, હિંદુ નહીં”, જેના કારણે હિંદુ સમાજની લાગણીઓ દુભાઈ હોવાના આરોપો લાગી રહ્યા છે. ભાજપે આ નિવેદનને હિંદુ આસ્થાનું ખુલ્લેઆમ અપમાન ગણાવીને તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. વીડિયોમાં મદન મિત્રા ભાજપની હિંદુત્વની રાજનીતિ પર પ્રહાર કરતા કહે છે કે ભાજપ હંમેશા હિંદુ-હિંદુ કરે છે, પરંતુ ભગવાન રામને હિંદુ સાબિત કરવા માટે તેમની “અટક” શું છે તે કોઈ જણાવી શકતું નથી. તેમણે વ્યંગાત્મક રીતે કહ્યું હતું કે એક હિંદુ સંતે મજાકમાં કહ્યું હતું કે રામની અટક ‘જેઠમલાની’ છે, તો શું લોકો ‘રામ જેઠમલાની’ની પૂજા કરે છે? આ વીડિયો બંગાળીમાં છે અને નોંધનીય બાબત એ છે કે મદન મિત્રાએ પોતાના ભાષણની શરૂઆત હિંદુ શ્લોકથી કરી હતી.
વિડિયો વાયરલ થયા બાદ ભાજપે આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ મદન મિત્રાના નિવેદનને જાણબૂઝીને હિંદુ આસ્થાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ ગણાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે તૃણમૂલ કોંગ્રેસ એટલી હદે નીચે ઉતરી ગઈ છે કે તે સતત હિંદુઓની માન્યતાઓ પર હુમલા કરી રહી છે અને આ તૃષ્ટિકરણની રાજનીતિનો ભાગ છે. સોશિયલ મીડિયા પર પણ ભાજપના નેતાઓ અને સમર્થકો દ્વારા આ નિવેદન સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને મદન મિત્રા સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
બીજી તરફ, મદન મિત્રાએ પોતાનો બચાવ કરતાં દાવો કર્યો છે કે વાયરલ થયેલો વીડિયો એડિટ કરેલો છે અને તેમના નિવેદનને સંદર્ભ વિના રજૂ કરવામાં આવ્યું છે. જોકે આ મુદ્દે અત્યાર સુધી તૃણમૂલ કોંગ્રેસ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે પશ્ચિમ બંગાળમાં રાજકીય માહોલ પહેલેથી જ તણાવપૂર્ણ છે અને આવા નિવેદનો ધ્રુવીકરણને વધુ ઊંડું કરી શકે છે. સાથે જ, આ ઘટનાએ એકવાર ફરી TMCના કેટલાક નેતાઓના વિવાદાસ્પદ નિવેદનોને લઈને ચાલી રહેલી ચર્ચાને તેજ બનાવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel