બાંગ્લાદેશના મૈમનસિંઘ જિલ્લાના ભાલુકા ઉપજિલ્લામાં ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા એક હિંદુ વ્યક્તિની નિર્મમ હત્યાની ઘટના સામે આવી છે, જેના કારણે દેશમાં અલ્પસંખ્યકોની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પીડિતની ઓળખ દીપુ ચંદ્ર દાસ તરીકે થઈ છે. આરોપ છે કે ઇશનિંદા (ધર્મનિંદા)ના બહાને કટ્ટરપંથી ટોળાએ 18 ડિસેમ્બરની રાત્રે સ્ક્વેર માસ્ટર બારીના દુબલિયા પારા વિસ્તારમાં તેની હત્યા કરી હતી અને ત્યારબાદ તેના મૃતદેહને ઝાડ સાથે બાંધીને આગ ચાંપી દીધી હતી. BBC બાંગ્લાના અહેવાલ મુજબ આ ઘટનાની પુષ્ટિ સ્થાનિક અધિકારીઓએ કરી છે, જોકે ઘટના સામે આવ્યા છતાં પોલીસ દ્વારા હજુ સુધી ઔપચારિક રીતે કેસ નોંધવામાં આવ્યો નથી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કટ્ટરપંથી ટોળું “નારા-એ-તકબીર, અલ્લાહુ અકબર”ના નારા લગાવતું જોવા મળે છે અને મોબાઈલ ફોનમાં આ સમગ્ર જઘન્ય કૃત્યની રેકોર્ડિંગ પણ કરવામાં આવી હતી. માહિતી મુજબ, દીપુ આ વિસ્તારમાં ભાડૂઆત તરીકે રહેતો હતો અને નજીકની એક કપડાંની ફેક્ટરીમાં કામ કરતો હતો. ભાલુકા પોલીસ સ્ટેશનના ડ્યુટી ઓફિસર રિપન મિયાએ જણાવ્યું કે, પ્રોફેટ મુહમ્મદ વિશે અપમાનજનક શબ્દો બોલવાનો આરોપ લગાવી ગુસ્સે ભરાયેલા ટોળાએ ગુરુવારે રાત્રે લગભગ 9 વાગ્યે દીપુ પર હુમલો કર્યો, તેને મારી નાખ્યો અને પછી મૃતદેહને આગ ચાંપી દીધી.
પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. બાદમાં દીપુનો મૃતદેહ મળી આવ્યો, જેને મૈમનસિંઘ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. અધિકારીઓએ કહ્યું છે કે મૃતકના પરિવારજનોને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને કેસ નોંધાયા બાદ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે શેખ હસીનાની સત્તા બાદ બાંગ્લાદેશમાં હિંદુઓ સહિત અલ્પસંખ્યકો સામે હિંસાની ઘટનાઓમાં વધારો થવાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. 2024 દરમિયાન પણ હિંદુ સમુદાય સામે અત્યાચારના અનેક મામલા સામે આવ્યા હતા. તાજેતરમાં એન્ટી-ઇન્ડિયા અને જિહાદી કટ્ટરપંથી તત્વોની પ્રવૃત્તિઓ તેજ બનતા પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની હોવાનું નિરીક્ષકો જણાવી રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel