પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના હેલિકોપ્ટરનું જલપાઈગુડીના બાગડોગરા જતા સમયે ખરાબ હવામાનના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જોખમથી બચવા માટે હેલિકોપ્ટરનું સેવક એરબેઝ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગ સમયે મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘાયલ થયા હતા. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરતી વખતે મુખ્યમંત્રીને પગ અને કમરમાં ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક સેવક એરબેઝ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
શરૂઆતમાં એવું જાણવા મળ્યું છે કે, મુખ્યમંત્રીની બાકીની સારવાર કોલકાતા પહોંચ્યા બાદ કરવામાં આવશે. મુખ્યમંત્રી મમતા બેનર્જીને કેટલી ઈજા થઈ છે તે હજુ સ્પષ્ટ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, તૃણમૂલ સુપ્રીમો મમતા બેનર્જી વિધાનસભા ચૂંટણી 2021 દરમિયાન નંદીગ્રામમાં પ્રચાર કરતી વખતે અકસ્માતમાં ઘાયલ થયા હતા. તેના પગના એક હાડકામાં તે સમયે ઈજા થઈ હતી.
Hon'ble Governor Dr C.V.Ananda Bose is relieved to know that Hon'ble Chief Minister Mamata Banerjee is safe after the emergency landing of her helicopter today. Dr. Bose enquired about her safety and well-being.
— Governor of West Bengal (@BengalGovernor) June 27, 2023
આ દરમિયાન રાજ્યપાલ સીવી આનંદ બોઝે, સીએમ મમતા બેનર્જીને ફોન કરીને તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી. રાજ્યપાલે ટ્વીટ કર્યું કે આજે તેમના હેલિકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગ બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી સુરક્ષિત છે તે જાણીને તેમને રાહત થઈ છે. ડૉ. બોઝે તેમની સલામતી અને સુખાકારી વિશે પૂછપરછ કરી.
પશ્ચિમ બંગાળ રાજ્ય ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદારે પણ કહ્યું કે, તેઓ સીએમ મમતા બેનર્જી જલદી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી છે. તેમણે સીએમ મમતા બેનર્જીના સારા સ્વાસ્થ્યની કામના કરી છે.
મમતા બેનર્જી માટે એમ્બ્યુલન્સ તૈયાર
આ દરમિયાન મમતા બેનર્જી બાગડોગરા પહોંચી અને પ્લેન દ્વારા કોલકાતા જવા રવાના થયા હતા. કોલકાતા એરપોર્ટ પર તેમના માટે એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે. એમ્બ્યુલન્સને કોલકાતા એરપોર્ટની અંદર લઈ જવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મમતા બેનર્જીને કોલકાતા એરપોર્ટથી કોલકાતાની SSKM હોસ્પિટલમાં લાવવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, સીએમ મમતા બેનર્જીને ગ્રીન કોરિડોર બનાવીને એરપોર્ટથી SSKM હોસ્પિટલ લઈ જવામાં આવે તેવી શક્યતા છે.
આ દરમિયાન SSKM હોસ્પિટલને પણ તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે. SSKM હોસ્પિટલમાં વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી છે અને CMની સારવાર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.