Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

1 માર્ચ 2026થી બદલાશે ઘણા મહત્વના નિયમો : ટ્રેન ટિકિટ, LPG, UPI અને સિમ કાર્ડ પર સીધી અસર

1 માર્ચ 2026થી બદલાશે ઘણા મહત્વના નિયમો : ટ્રેન ટિકિટ, LPG, UPI અને સિમ કાર્ડ પર સીધી અસર

ભારતમાં 1 માર્ચ, 2026થી સામાન્ય લોકોના દૈનિક જીવન અને ખિસ્સા પર સીધી અસર કરતા અનેક મહત્વના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. સુરક્ષા વધારવા, ડિજિટલ ફ્રોડ રોકવા અને સેવાઓને વધુ પારદર્શક બનાવવા માટે સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા રેલવે ટિકિટ બુકિંગ, LPG સિલિન્ડર, સિમ કાર્ડ અને બેન્કિંગ નિયમોમાં સુધારા કરવામાં આવ્યા છે. જો તમે ડિજિટલ પેમેન્ટ કરો છો, ટ્રેનમાં મુસાફરી કરો છો અથવા મોબાઇલ એપ્સનો ઉપયોગ કરો છો, તો આ નવા નિયમો વિશે જાણવું અત્યંત જરૂરી છે.

રેલવે ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર

રેલવે મુસાફરો માટે સૌથી મોટો ફેરફાર ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં કરવામાં આવ્યો છે. ભારતીય રેલવે 1 માર્ચથી જૂની UTS મોબાઇલ એપ બંધ કરી રહી છે. હવે અનરિઝર્વ્ડ (જનરલ) અને પ્લેટફોર્મ ટિકિટ બુક કરવા માટે મુસાફરોને નવી ‘RailOne’ એપનો ઉપયોગ કરવો પડશે. આ નવી એપ સંપૂર્ણપણે સક્રિય થઈ જશે, જેથી મુસાફરોને સ્ટેશન પર લાંબી લાઈનોમાં ઉભા રહેવાની જરૂર નહીં પડે. રેલવે અધિકારીઓએ મુસાફરોને પહેલેથી જ નવી એપ ડાઉનલોડ કરવાની સલાહ આપી છે.

LPG, CNG અને PNGના ભાવમાં ફેરફાર

દર મહિને જેમ ગેસના ભાવમાં ફેરફાર થાય છે તેમ 1 માર્ચે પણ ઘરગથ્થુ અને કોમર્શિયલ LPG સિલિન્ડરના નવા દર જાહેર થવાની શક્યતા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવના આધારે રસોઈ ગેસ મોંઘો કે સસ્તો થઈ શકે છે. આ સાથે CNG અને PNGના દરોમાં પણ સુધારો થવાની સંભાવના છે. આ બદલાવનો સીધો પ્રભાવ વાહનચાલકો તેમજ પાઈપલાઈન ગેસ વાપરતા પરિવારોના માસિક બજેટ પર પડશે.

સિમ બાઈન્ડિંગ અને મેસેજિંગ એપ્સ પર નવા નિયમો

ડિજિટલ ફ્રોડ અને સાયબર ક્રાઈમને રોકવા માટે સરકાર હવે સિમ બાઈન્ડિંગ સિસ્ટમને ફરજિયાત બનાવવાની તૈયારીમાં છે. 1 માર્ચથી WhatsApp અને Telegram જેવી મેસેજિંગ એપ્સને એક્ટિવ સિમ કાર્ડ સાથે લિંક કરવું જરૂરી બની શકે છે. જો સિમ સાથે લિંક ન હોય તો એપનો ઉપયોગ મર્યાદિત થઈ શકે છે. ખાસ કરીને વેબ વર્ઝન અને મલ્ટી-ડિવાઈસ ફીચર્સ પર નવી સુરક્ષા પાબંદીઓ લાગુ થઈ શકે છે.

UPI પેમેન્ટમાં વધારાની સુરક્ષા

ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરનારા લોકો માટે પણ મહત્વનો બદલાવ લાગુ થશે. National Payments Corporation of India દ્વારા સંચાલિત UPI સિસ્ટમમાં હવે હાઈ-વેલ્યુ ટ્રાન્ઝેક્શન માટે વધારાની સુરક્ષા પ્રક્રિયા લાગુ કરવામાં આવી શકે છે. માત્ર UPI PIN દાખલ કરવાથી કામ નહીં ચાલે, પરંતુ બાયોમેટ્રિક્સ અથવા મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન (MFA) જેવી વધારાની ચકાસણી ફરજિયાત બની શકે છે. આ પગલું ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે લેવામાં આવી રહ્યું છે.

બેન્ક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સના નિયમોમાં રાહત

દેશની ઘણી મોટી સરકારી બેન્કો 1 માર્ચ, 2026થી મિનિમમ બેલેન્સના નિયમોમાં રાહત આપવાની તૈયારીમાં છે. હવે ખાતામાં એક દિવસ માટે બેલેન્સ ઓછું રહેતાં તરત જ દંડ વસૂલવાની જગ્યાએ ‘એવરેજ મંથલી બેલેન્સ’ (AMB)ના આધારે પેનલ્ટી ગણવામાં આવશે. એટલે કે આખા મહિનાની સરેરાશ બેલેન્સના આધારે જ દંડ નક્કી થશે. આ બદલાવથી ખાતાધારકોને અચાનક લાગતી પેનલ્ટીથી રાહત મળશે.

આ તમામ નવા નિયમો સામાન્ય લોકોના રોજિંદા જીવનને સીધી અસર કરશે. ટ્રેન મુસાફરીથી લઈને ડિજિટલ પેમેન્ટ અને ગેસના ભાવ સુધીના ફેરફારો લોકોને તેમના ખર્ચ અને વ્યવહારમાં ફેરફાર કરવા પ્રેરિત કરી શકે છે. તેથી સમયસર આ નવા નિયમો વિશે માહિતગાર રહેવું દરેક માટે જરૂરી બની ગયું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.