સુરત શહેરમાં 14 માર્ચે યોજાનાર ભવ્ય સમૂહલગ્ન સમારોહ વચ્ચે આંતરધર્મીય લગ્નને લઈને વિવાદ ઊભો થયો હતો. ‘યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા આયોજિત આ સમારોહમાં એક મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના હિન્દુ વિધિથી લગ્ન કરાવવાની માહિતી બહાર આવતા દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિવાદ વધતા અને કાયદાકીય મુદ્દાઓ ઊભા થતાં આખરે ફાઉન્ડેશને આ લગ્ન રદ કરવાની જાહેરાત કરી છે.
101 દીકરીઓના સમૂહલગ્નમાં આંતરધર્મીય લગ્નને લઈને વિવાદ
આ સમૂહલગ્ન સમારોહ સુરતના ડુમસ રોડ પર આવેલા રાજઘરાના પાર્ટી પ્લોટ ખાતે યોજાવાનો છે, જેમાં 101 પિતાવિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરાવવાની યોજના છે. આ ઉમદા કાર્ય વચ્ચે સોશિયલ મીડિયા પર એવી માહિતી સામે આવી હતી કે સમૂહલગ્નમાં એક મુસ્લિમ યુવતી પોતાના હિન્દુ પ્રેમી સાથે હિન્દુ વિધિથી લગ્ન કરવાની છે. આ માહિતી સામે આવતા મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને મામલો કલેક્ટર તથા પોલીસ કમિશનર સુધી પહોંચ્યો હતો.
મુસ્લિમ સમાજે કલેક્ટર અને પોલીસ કમિશનરને કરી રજૂઆત
દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. તેમની દલીલ હતી કે દરેક વ્યક્તિને પોતાની પસંદગી મુજબ લગ્ન કરવાનો અધિકાર છે, પરંતુ જાહેર સમૂહલગ્ન કાર્યક્રમમાં હિન્દુ વિધિ દ્વારા મુસ્લિમ યુવતીના લગ્ન કરાવવું Gujarat Freedom of Religion (Amendment) Act 2021નું ઉલ્લંઘન ગણાય છે. સમાજના પ્રતિનિધિઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે આવી ઘટનાથી શહેરના શાંતિપૂર્ણ વાતાવરણ અને સામાજિક સુમેળ પર અસર પડી શકે છે.

ધર્મપરિવર્તન સંબંધિત કાયદાનો ઉલ્લેખ
સમાજના સભ્ય અસલમ સાઇકલવાલાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ ધર્મપરિવર્તન કરવા માગે તો જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે. જો મંજૂરી વગર લગ્ન દ્વારા ધર્માંતરણ કરવામાં આવે તો તે ગેરકાયદેસર ગણાય છે. તેમણે આક્ષેપ કર્યો કે ટ્રસ્ટ માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને આયોજકો સામે કાર્યવાહી થવી જોઈએ.
યશવી ફાઉન્ડેશનની સ્પષ્ટતા
વિવાદ વધતા યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના CEO સત્યેન નાયકે સત્તાવાર અખબારી યાદી જાહેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ સમૂહલગ્નમાં એક મુસ્લિમ યુવતી તેની માતાની સંમતિથી હિન્દુ યુવક સાથે લગ્ન કરવા જઈ રહી હતી. પરંતુ 27 ફેબ્રુઆરીએ યુવક-યુવતીએ ફાઉન્ડેશનને જાણ કરી કે યુવતીના પરિવારજનો હવે સામાજિક અને વ્યક્તિગત કારણોસર આ લગ્ન માટે તૈયાર નથી. જોકે યુવક અને યુવતી હજુ પણ લગ્ન માટે મક્કમ હોવાનું જણાવાયું છે.

ફાઉન્ડેશને જણાવ્યું હતું કે તાજેતરમાં અમલમાં આવેલા નવા લગ્ન નોંધણી નિયમો અનુસાર, જો પ્રેમલગ્નમાં માતા-પિતાની સંમતિ ન હોય તો કાયદાકીય મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. આ કાયદાકીય અને સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટે આંતરધર્મીય લગ્નનું ફોર્મ રદ કરવાનો નિર્ણય લીધો છે. ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈપણ ધર્મ અથવા સમાજની લાગણી દુભાવવા માગતા નથી અને સમૂહલગ્ન કાર્યક્રમ યથાવત યોજાશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel