અમદાવાદના સૌથી વ્યસ્ત એવા એસ.જી. હાઈવે પર શુક્રવારે બપોરે મોટી આગની ઘટના સામે આવી છે. મકરબા વિસ્તારમાં આવેલી જાણીતી ‘સોલિટેર બિલ્ડિંગ’ના ત્રીજા માળે અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આગ ખૂબ જ ઝડપથી ફેલાતી જતાં થોડી જ વારમાં તેણે ચોથા માળને પણ પોતાની ઝપેટમાં લઈ લીધો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.
આગની ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોમાં ગભરાટ ફેલાતા મોટી સંખ્યામાં સ્થાનિકો અને રાહદારીઓ સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા.
ધડાકાભેર કાચ તૂટતા ભયનો માહોલ
આગની તીવ્રતા એટલી વધુ હતી કે બિલ્ડિંગના બહારના ભાગમાં લાગેલા મોટા કાચ ગરમીના કારણે ધડાકાભેર તૂટીને નીચે પડવા લાગ્યા હતા. આ ઘટનાને કારણે રસ્તા પર પસાર થતા વાહનચાલકો અને નીચે ઉભેલા લોકોમાં ભય અને ગભરાટ ફેલાયો હતો.
ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગે તાત્કાલિક પગલાં લીધા હતા. ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. હાલમાં ફાયર બ્રિગેડની આશરે 10 ગાડીઓ ઘટનાસ્થળે તૈનાત છે અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ફાયર ટીમો દ્વારા બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ઝડપી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું.
15-20 લોકોનો સફળ રેસ્ક્યુ
અહેવાલ મુજબ આગ લાગ્યાના સમયે બિલ્ડિંગના ત્રીજા માળે આશરે 15થી 20 કર્મચારીઓ ફસાઈ ગયા હતા. તેઓ પોતાને બચાવવા માટે બાજુના રૂમમાં છુપાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને પ્રશંસનીય કામગીરી કરતાં તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
આગ લાગવાનું કારણ અસ્પષ્ટ
હાલ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટ અથવા અન્ય ટેક્નિકલ ખામીની શક્યતા માનવામાં આવી રહી છે, પરંતુ સત્તાવાર તપાસ બાદ જ કારણ સ્પષ્ટ થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel