સંઘપ્રદેશ દમણના ઔદ્યોગિક વિસ્તાર ડાભેલમાં આજે બપોરના સમયે બે પેકેજિંગ કંપનીઓમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. કલાકોની જહેમત બાદ પણ બપોર સુધી આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી શકાયો નહોતો.
પ્રાપ્ત વિગતો મુજબ, ડાભેલ ક્રિકેટ ગ્રાઉન્ડની સામે આવેલી ‘ટોટલ પેકેજિંગ’ કંપનીમાં બપોરે અંદાજે 12 વાગ્યાના સમયે અચાનક આગ લાગી હતી. થોડા જ સમયમાં આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું અને બાજુમાં આવેલી ‘એસીઈ (ACE) પેકેજિંગ’ કંપની સુધી ફેલાઈ ગઈ હતી. બંને કંપનીઓમાં ઘરવપરાશ માટે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની સામગ્રીનું ઉત્પાદન થતું હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી.
પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ સામગ્રી હાજર હોવાથી આગે ખૂબ જ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ દમણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.
આગની ગંભીરતાને જોતા દમણ સહિત આસપાસના વિસ્તારોમાંથી કુલ 18 જેટલા ફાયર ટેન્ડરો અને પાણીના ટેન્કરો બોલાવવામાં આવ્યા હતા. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ અંદર રહેલા કેમિકલ અને પ્લાસ્ટિકના કારણે આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી.
દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સચિવ હરીશ પટેલે જણાવ્યું હતું કે આગ અત્યંત ભીષણ છે અને પ્લાસ્ટિકના કારણે તેને બુઝાવવી પડકારજનક સાબિત થઈ રહી છે. ફાયર વિભાગની તમામ ટીમો સતત પ્રયાસ કરી રહી છે.
રાહતની વાત એ છે કે આ આગની ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. જોકે, બંને કંપનીઓમાં રહેલું લાખો-કરોડો રૂપિયાનું માલસામાન અને મશીનરી બળીને ખાખ થઈ જતાં ભારે આર્થિક નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel