MDH અને એવરેસ્ટ જેવી મોટી બ્રાન્ડના મસાલામાં ઇથિલીન ઓક્સાઇડ જંતુનાશક મળી આવ્યા હોવાના અહેવાલો પછી FSSAI એક્શનમાં આવ્યું છે.
તાજેતરમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે MDH અને એવરેસ્ટના મસાલામાં ઇથિલિન ઓક્સાઈડ મળી આવેલ છે. આ પછી હોંગકોંગ, સિંગાપોર અને નેપાળમાં બંને બ્રાન્ડના મસાલાનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ હવે FSSAI એ દાવો કર્યો છે કે MDH અને એવરેસ્ટના મસાલાના સેમ્પલમાં ઈથિલિન ઓક્સાઈડના કોઈ નિશાન મળ્યા નથી. બંને બ્રાન્ડના મસાલાના નમૂનાઓનું પરીક્ષણ 28 માન્ય પ્રયોગશાળાઓમાં કરવામાં આવ્યું હતું. એફએસએસએઆઈના અધિકારીએ જણાવ્યું હતું કે એમડીએચ અને એવરેસ્ટ બ્રાન્ડના મસાલાના નમૂનાઓમાં ઇથિલિન ઓક્સાઇડની કોઈ ભેળસેળ મળી નથી જે તેમની ફેક્ટરીઓમાંથી એકત્ર કરવામાં આવી હતી.
મસાલાના કુલ 34 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 28ના રિપોર્ટ આવ્યા છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે લેબોરેટરી રિપોર્ટની FSSAI ની વૈજ્ઞાનિક પેનલ દ્વારા તપાસ કરવામાં આવી હતી. MDH અને એવરેસ્ટ જેવી મોટી બ્રાન્ડના મસાલામાં ઇથિલિન ઓક્સાઇડ જંતુનાશક મળી આવ્યા હોવાના અહેવાલો પછી FSSAI એક્શનમાં આવ્યું છે. સિંગાપોર અને હોંગકોંગે આ કંપનીઓના મસાલાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. કારણ કે તેમાં EtOની વધુ માત્રા મળી આવી હતી. ઇટીઓને ખાવા માટે સલામત માનવામાં આવતું નથી અને જો લાંબા સમય સુધી તેનું સેવન કરવામાં આવે તો કેન્સરનું જોખમ રહેલું છે.
નિકાસ કરવામાં આવતા તમામ મસાલાનું ટેસ્ટિંગ ફરજિયાત
હોંગકોંગ, સિંગાપોર અને નેપાળમાં મસાલાના વેચાણ પર પ્રતિબંધ પછી FSSAI દ્વારા તમામ બ્રાન્ડના મસાલાઓનું પરીક્ષણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. FSSAI અધિકારીઓને તમામ મસાલા ઉત્પાદન ફેક્ટરીઓ, ખાસ કરીને કરી પાવડર અને મિશ્ર મસાલાઓનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓનું નિરીક્ષણ કરવા કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્ય સરકારોને મસાલાની તપાસ કરવા અને તેની ગુણવત્તા ચકાસવાના આદેશો પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતીય મસાલા બોર્ડે સિંગાપોર અને હોંગકોંગમાં નિકાસ કરવામાં આવતા તમામ મસાલામાં EtO માટે પરીક્ષણ કરવું ફરજિયાત બનાવ્યું છે.
FSSAI દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં MDH અને એવરેસ્ટની ફેક્ટરીઓમાંથી લેવામાં આવેલા મોટાભાગના મસાલાના નમૂનાઓ સારા હોવાનું જાણવા મળ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે 28 વિવિધ પ્રયોગશાળાઓમાંથી મળેલા અહેવાલોમાં EtO બીલકુલ મળ્યુ નથી. ભારતમાંથી નિકાસ થતી વસ્તુઓમાં મસાલાનું ખૂબ મહત્વ છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ અનુસાર ગયા નાણાકીય વર્ષમાં ભારતમાંથી $4.25 બિલિયનના મસાલાની નિકાસ કરવામાં આવી હતી, જે વૈશ્વિક મસાલાની નિકાસના 12% છે.