આ આરતી કોણે લખી? ક્યારે લખી? આરતીની ભાવસભર પંક્તિઓનો અર્થ શું થાય? તેવા સવાલો ઘણાને મનમાં થતા હશે. અહીંયાં જય આદ્યા શક્તિ આરતીની એક-એક પંક્તિનો વિસ્તૃત અર્થ ગ્રાફિકમાં આપ્યો છે. પણ અર્થ જાણીએ એ પહેલાં આ આરતીની રચના કોણે અને કેવી રીતે કરી, તે જાણીએ.
આરતી કોણે લખી?
આ આરતી શિવાનંદ વામદેવ પંડ્યા ઉર્ફે સ્વામી શિવાનંદે લખી છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદા નદીના તટે માંડવા બુઝુર્ગ ગામ છે. આ ગામમાં માર્કંડ મુનિનો આશ્રમ અને દેવી અંબાજીનું પુરાતન મંદિર છે. સ્વામી શિવાનંદના પૂર્વજો આ આશ્રમ અને મંદિરમાં દેખભાળ અને પૂજાપાઠ કરતા. વામદેવ પંડ્યાના ભાઈ સદાશિવ પંડ્યાએ દેવી અંબાજીની જીવનપર્યંત સેવા કરી હતી. કાકા સદાશિવ પાસેથી પ્રેરણા લઈને શિવાનંદ ભક્તિ માર્ગે વળ્યા. શિવાનંદ પંડ્યા ‘સ્વામી શિવાનંદ’ તરીકે ખ્યાતિ પામ્યા. સ્વામી શિવાનંદે 421 વર્ષ પહેલાં આ આરતીની રચના કરી હતી.
લક્ષ્મી જોઈએ છે કે સરસ્વતી?
સદાશિવ જ્યારે મૃત્યુશૈયા પર હતા ત્યારે તેમણે તેમના બે પુત્રો અને ભત્રીજા શિવાનંદને બોલાવી પૂછ્યું કે તમારે લક્ષ્મી જોઇએ છે કે સરસ્વતી? તેમના બે પુત્રોએ લક્ષ્મી માગી, પણ શિવાનંદે કહ્યું, તમને જે યોગ્ય લાગે એ આપો. આ સાંભળી પ્રસન્નતા અનુભવી કાકા સદાશિવે ભત્રીજા શિવાનંદને પંચાક્ષરી મંત્રનો ઉપદેશ કર્યો અને કહ્યું કે તારી પ્રસિદ્ધિ થશે. તું ભક્તિ માર્ગની પ્રશસ્તિ કરતો રહેજે અને આપણા રામનાથ ઇષ્ટનું પૂજન કરતો રહેજે. શિવાનંદે આદેશ સ્વીકારી લીધો અને શિવની આરાધના કરી અને ભાગવતકથાઓ પણ કરી.
સ્વામી શિવાનંદના કાકા સદાશિવ વિદ્વાન હતા
સ્વામી શિવાનંદના કાકા સદાશિવ માટે એવી લોકવાયકા હતી કે તેઓ 35 વર્ષના હતા ત્યાં સુધી તેમને કંઇ આવડતું નહોતું. પછી મહેણાંથી કંટાળી સદાશિવ પંડ્યાએ નર્મદા તટે રામનાથ ઘેલા મંદિરમાં ભક્તિ કરવાની શરૂઆત કરી હતી. એવા સમયમાં એક દિવસ ત્યાં એક સંત આવ્યા અને સદાશિવની ભક્તિથી પ્રસન્ન થઇ વરદાન આપ્યું. પરિણામે, સરસ્વતી તેમની જીભે વસ્યાં. તેમણે સંસ્કૃતમાં ગ્રંથો રચ્યા અને મંત્ર-તંત્ર વિદ્યામાં સિદ્ધિ મેળવી.
કાકાની જેમ જ ભત્રીજા પણ બન્યા વિદ્વાન
કાકા સદાશિવ પંડ્યાની જેમ જ સ્વામી શિવાનંદ વિદ્વાન હતા. શિવાનંદ વિદ્ધાન શાસ્ત્રી હતા. તેમની વિદ્વત્તા કાશીના વિદ્ધાનો જેટલી જ માનવામાં આવતી. ધર્મશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, પુરાણો અને શ્રોતકર્મના અભ્યાસ માટે તેમના નિવાસસ્થાને પાઠશાળા ચાલતી. તેમણે આદ્યશક્તિ અંબાજી માતાની આરતીની રચના તો કરી. એ ઉપરાંત સંસ્કૃત, હિન્દી અને ગુજરાતીમાં શિવ સ્તુતિનાં પદ, ઢોળ, વસંતપૂજા, હિંડોળાના પદ, ભોજન સમયનાં પદ જેવા સાહિત્યની રચના કરી.
સ્વામી શિવાનંદનો જન્મ વામદેવ હરિહર પંડ્યાના ઘરે ઈ.સ.1541માં સુરતમાં અંબાજી રોડ પર નાગર ફળિયામાં થયો. નાની ઉંમરે તેમના પિતાના નિધન પછી સ્વામી શિવાનંદને તેમના કાકા સદાશિવ પંડ્યાએ ઉછેર્યા હતા. જોકે પંડ્યા પરિવાર માંડવા બુઝર્ગ ગામથી સુરત સ્થાયી થઈ ચૂક્યો હતો. સ્વામી શિવાનંદ અલગ અલગ શહેરોમાં કથા, પૂજા માટે ફરતા રહેતા હતા. એકવાર ખંભાતમાં માતા લક્ષ્મીની પ્રાણપ્રતિષ્ઠા કરીને સ્વામી શિવાનંદ પોતાના વડવાઓના જૂના ગામ માંડવા બુઝુર્ગ જઈ રહ્યા હતા ત્યારે જગદંબાની આરતી રચવાની પ્રેરણા થઈ. સાલ હતી 1601. એ સમયે સ્વામી શિવાનંદની ઉમર 60 વર્ષ હતી. એક સાંજે એ દેવી અંબાના મંદિર નજીક નર્મદા નદીના કિનારે ધ્યાનમાં બેઠા હતા. લાલ કલરનો સૂરજ આથમી રહ્યો હતો, જાણે માડીનું કંકુ આકાશમાંથી ખરતું હોય.એ જ સમયે દક્ષિણ દિશામાં ચાર ભુજાવાળા મા લક્ષ્મી પ્રગટ થયાં. આ દર્શનથી અભિભૂત થઈને સ્વામી શિવાનંદે ત્યારે જ નર્મદા નદીના તટે આરતીની રચના કરી.
સ્વામી શિવાનંદની છઠ્ઠી પેઢીના જમાઈ હતા કવિ નર્મદ
શિવાનંદ સ્વામી ગૃહસ્થ હતા. તેમને ત્રણ પુત્ર હતા. શિવાનંદ સ્વામીની છઠ્ઠી પેઢીએ ત્રિપુરાનંદ થયા. તેમના પુત્ર ચંદ્રવિદ્યાનંદ અને દીકરી ડાહીગૌરી થયાં. ડાહીગૌરીનાં લગ્ન કવિ નર્મદાશંકર સાથે થયા. કવિ નર્મદના આ બીજા લગ્ન હતા. ચંદ્રવિદ્યાનંદને બ્રિટિશ સરકાર તરફથી રાવ બહાદુરનો ઇલ્કાબ મળ્યો હતો, તેમના પુત્ર પુષ્પેન્દ્ર પંડ્યાએ ભારતના લશ્કરમાં આર્મી આફિસર તરીકે સેવાઓ આપી. શિવાનંદ સ્વામીની સાતમી પેઢીએ 79 વર્ષીય પલ્લવીબેન વ્યાસ છે, જે સુરત રહે છે. પલ્લવીબેનના પુત્ર ધર્મેશ વ્યાસ હિન્દી સિરિયલ અને ફિલ્મના અભિનેતા છે. સ્વામી શિવાનંદે ઉત્તરાવસ્થામાં સંન્યાસ ગ્રહણ કર્યો. 85 વર્ષની પાકટ વયે ઈ. સ. 1626માં સમાધિ લીધી.
18 ગ્રાફિકમાં આરતીનો વિસ્તૃત અર્થ સમજીએ